Abtak Media Google News

દરેકનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટીબદ્વ: ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનોને રૂ. 143 કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતિએ ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નગરો – મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, અગાઉ નગરો – મહાનગરો શહેર સુધરાઈ તરીકે ઓળખાતા હતા. શહેરી સુવિધા એટલે નળ, ગટર અને રસ્તા એવી જ વ્યાખ્યા હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવી શહેર સુધરાઈને નગર સેવા સદન તરીકે નગર સુખાકારી અને જનહિત કાર્યોની અનેક સેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો બનાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવર બ્લોક, રસ્તા સહિતના કામો પણ હવે થાય છે.

તેમણે કહ્યું કે, નગર સુખાકારીના કામો હાથ ધરવા સાથે શહેરી સુવિધાના કામોમાં નાણાંની કોઈ સમસ્યા ન રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણે કર્યું છે.

તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તાર સહિત ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ લોકસભા મત વિસ્તારમાં થયેલા અને હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો પણ આ તકે આપી હતી.

મુખ્યમંત્રીની નેમ છે કે  ‘ગુજરાતનો એક પણ નાગરીક છાપરાવાળા મકાનમાં ના રહેવો જોઈએ.. તેવા સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે શહેરના મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસ ગાથાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કદમ થી કદમ મિલાવી આગળ વધારી રહી છે. કોરોના પછીના સમયમાં 3000 કરોડથી વધારેના કામો એક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયા એ આપણા માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ને જે ભેટ મળી છે તેમાં ચાંદખેડા વોર્ડ અંદાજિત રૂ.2.48 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ, થલતેજ વોર્ડમાં સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઇલોરા એપાર્ટમેન્ટ અને અજન્ટા એપાર્ટમેન્ટમાં આર.સી.સી.રોડ તથા પેવર બ્લોકના ખાતમુહર્તનો સમાવેશ થાય છે. સાથે સાથે બોપલ ખાતે અંદાજિત રૂપિયા રૂ. 8.83 કરોડના ખર્ચે 70 આવાસોના ડ્રો અને ઝુંડાલ ખાતે અંદાજિત રૂ. 128.02 થી વધુ કરોડના ખર્ચે 1120 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.