Abtak Media Google News

લગ્નગાળો, ઉનાળું વેકેશન, કોરોનાની અસર ઓછી થવી સહિતના કારણોસર એસ.ટી.બસો હાલમાં હાઉસફૂલ જઇ રહી છે. તા.1 મે ના રોજ એક જ દિવસમાં 65,201 સીટો બુકિંગ થઇ હતી. જેના થકી નિગમને 1.33 કરોડની જંગી આવક મળી હતી.

ટિકિટ બુકિંગ અને આવકનો આ આંકળો છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી હાઇએસ્ટ છે. ગત વર્ષે આજ તારીખે ફક્ત 10,609 ટિકિટ બુક થઇ હતી અને તે પેટે નિગમને ફક્ત 22.76 લાખની આવક મળી હતી. ઉનાળા વેકેશનની શરૂઆત સાથે જ ગુજરાતની એસ.ટી.બસોમાં એડવાન્સ ટિકિટ બુકિંગમાં એકાએક નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગત એપ્રિલ માસમાં 17,11,534 સીટો એડવાન્સ બુક મુસાફરોએ કરાવી હતી. જેના થકી નિગમને 34.49 કરોડ જેટલી રકમની આવક મળી હતી.

એપ્રિલમાં બુક થયેલી ટિકિટોમાંથી આકસ્મીક કારણોસર 87,007  ટિકિટ મુસાફરોએ રદ કરાવી હતી જે થકી નિગમને 1.65 કરોડની રકમનું રિફંડ પણ ચુકવી દીધું છે. એડવાન્સ ટિકિટ રિઝર્વેશન પેટે નિગમને એપ્રિલ માસમાં જ 83,69,270 રૂપિયાની આવક થવા પામી હતી.

એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયાથી એડવાન્સ બુકિંગમાં વધારો થયો છે. જાણવા મળતી માહિતી મુજબ કોરોનાકાળ બાદ આ સૌથી વધારે ટિકિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા હવે જ્યારે કોરોનાની ખૂબ જ ઓછી અસર જોવા મળી રહી છે તેવામાં લોકો હવે ડર રાખ્યા વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. સહપરિવાર મુસાફરી કરી રહ્યા છે.

આ ઉનાળા વેકેશનના ગાળામાં મુસાફરો મનગમતા સ્થળોએ ફરવા જવાનો પ્લાન પણ બનાવી ચૂક્યા છે. બીજી બાજુ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. રમઝાનનો તહેવાર પણ છે. જેને લઇને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે અખાત્રીજ હોવાથી મુસાફરો એ મોટી સંખ્યામાં બુકિંગ કરાવ્યું છે. આ દિવસે સવિશેષ ધસારો રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.