Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતે જ ઊદ્યોગ અને સહકાર બેય ક્ષેત્રે અગ્રેસરતા પ્રસ્થાપિત કરવાનું ગૌરવ મેળવ્યું છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સમાન હેતુ માટે સામૂહિક પ્રયાસોના પગલે રચાતી સહકારી વૃત્તિ-પ્રવૃત્તિ સર્વગ્રાહી વિકાસના મૂળમાં છે અને આ ભાવના જ સામૂદાયિક વિકાસથી સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કરે છે.મુખ્યમંત્રીશ્રી સાબરકાંઠાના ઇડરમાં ધી ઇડર નાગરિક સહકારી બેન્કના સુવર્ણજ્યંતિ ઉજવણી સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આ બેન્કની સ્થાપના ૧૯૬૯માં થઇ હતી. ૧૬પ૮૦ સભાસદો અને ર૬ર લાખના શેરભંડોળ સાથેની આ સહકારી બેંક ગ્રાહકોને ડિઝીટલ બેન્કીંગની સેવાઓ પણ પૂરી પાડે છે.

1મુખ્યમંત્રીએ આ સાથે સરપ્રભાત હાઇસ્કૂલમાં રૂ. પ૦ લાખના નવનિર્મિત જૂડો હોલ  લોકાર્પણ કર્યુ હતું.તેમણે ઇડર પાંજરાપોળની પ્રત્યક્ષ મૂલાકાત લઇને ગૌ માતાને ઘાસચારાનું નિરાણ કરીને ખોળ ખવરાવ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ સહકારી બેન્કીંગ ક્ષેત્ર હવે નાના માણસની મોટી બેંકના રૂપમાં વિસ્તર્યુ છે અને આગવી શાખ-વિશ્વાસની મૂડી ઊભી કરી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.તેમણે ઉમેર્યુ કે સહકારી બેંકોએ રાષ્ટ્રીયકૃત બેંકો સાથે સ્પર્ધાત્મકતાના વાતાવરણમાં સક્ષમ સ્થિતી ઊભી કરી છે તેના પાયામાં સામાન્યમાં સામાન્ય માનવી-ખાતેદારની સેવા ભાવના પડેલી છે.મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોમાં સહકારી બેંકોના ઉઠમણાના સમાચારો આવતા તેની આલોચના કરતા કહ્યું કે, ભાજપા સરકારે સહકારી બેન્કીંગ ક્ષેત્રે વિશ્વાસ-પારદર્શીતા અને ભરોસાની સ્થિતીનું નિર્માણ કર્યુ છે. આના પરિણામે રાજ્યની સહકારી બેંકોમાં લોકોનો વિશ્વાસ પૂન: પ્રસ્થાપિત થયો છે.ઇડર સહકારી બેંકનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઇડર સહકારી બેંકે પ૦ વર્ષ પુર્ણ કર્યા છે. તેની આ અડીખમ સેવામાં બેંકની નિસ્વાર્થ સેવા દેખાય છે. પોતાની મરણમૂડી મૂકનાર ખાતેદારનો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ બેંકે સુપેરે પાર પાડયું છે અને હજી ચાલુ છે તે અભિનંદનીય છે.વાયબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે વાઇબ્રન્ટ ગુજરાત એ વિશ્વના ઊદ્યોગકારો માટે ‘ગ્લોબલ પ્લેટફોર્મ’ પુરવાર થયું છે.

34ગુજરાતના વિકાસનો અને વાઇબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરનારા કાન ખોલીને સાંભળી લે કે ગુજરાતે વિકાસનો મંત્ર સિધ્ધ કર્યો છે અને વિશ્વ આખુ તેને સ્વીકારવા પણ માંડયુ છે.૩૦મી માર્ચ-ર૦૧૯ સુધીમાં ૪પ૦ કંપનીઓના રૂ. ૧.૧૧ લાખ કરોડના કામો ઉદઘાટનો-કાર્યારંભ-ખાતમૂર્હત સાકાર થશે અને તેના પગલે ૧૧ લાખ લોકોને રોજગારી આપવાનો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહાવીર ભગવાનની અનેકાંત-અપરિગ્રહ-અહિંસાના ત્રણ પાયાને સ્વીકારીને દિવ્ય ગુજરાત બનાવવું છે. આ ગાંધી-સરદાર-શ્રીમદ રાજચંદ્રનું ગુજરાત સામૂહિક વિકાસ તથા સૌના સાથ સૌના વિકાસનું પર્યાય બન્યુ છે.૧૦ ટકા આર્થિક અનામતનો દેશમાં સર્વપ્રથમ ગુજરાતે અમલની શરૂઆત કરી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ તમામ જીવોની રક્ષા, ૯૬ તાલુકાઓમાં પાંજરાપોળ-ગૌશાળા ઢોરવાડાને સબસીડીની વિગતો આપી હતી. રાજ્યનો કોઇ પણ ગરીબ ભુખ્યો ન સૂવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. પાણી પુરવઠા અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌ સાથે મળીને કામ કરવું એટલે ‘સહકાર’-વ્યાજખોરો-શાહુકારોની ચુંગાલમાંથી ગરીબ-મધ્યમવર્ગી-જરૂરતમંદોને છોડાવવા સહકારની પ્રવૃત્તિ શરૂ કરાઇ હતી. ગરીબ અને મધ્યમ પરિવારો માટે સીધુ ધિરાણ આપની સહકારી બેંકોએ મોટી પ્રગતિ કરી છે. થાપણો મેળવવી અને ધિરાણ આપવાની સીધી સાદી પ્રક્રિયા સરળ અને સુનિશ્ચિત રીતે ચાલે તો બેંકોની પ્રગતિ કોઇ અટકાવી ન શકે. ઇડર સહકારી બેંક જેવી અનેક સહકારી બેંકો આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિનું પીઠબળ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

6તેમણે જણાવ્યું કે, નર્મદાના નીરથી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેવાયા છે. ધરોઇ ડેમમાંથી પણ આ વિસ્તારને પીવા-સિંચાઇનું પાણી અપાય છે. ઉત્તર ગુજરાતના તળાવો ભરીને આ વિસ્તારના ખેડૂતો-લોકોને તથા પશુધન માટે પાણી ઉપલબ્ધ કર્યુ છે.ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે ગુજરાતનું સહકારી ક્ષેત્રે સમગ્ર દેશમાં નમૂનેદાર રહ્યું છે. આજે બેંકો વચ્ચે પણ સ્પર્ધાનો સમય છે ત્યારે લોકોને-ખાતેદારોને મહત્તમ-શ્રેષ્ઠ સેવા આપનાર બેંકો વધુ પ્રગતિ કરી શકે છે. ઇડરની નાડ પારખીને આ બેન્કો પ૦ વર્ષ પુર્ણ કર્યા છે તે જ પુરવાર કરે છે કે ઇડર નાગરિક સહકારી બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરશે તેવી અપેક્ષા છે.સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રે અગ્રેસર ગુજરાતમાં અન્ય બેંકોની જેમ ઇડર સહકારી બેંકે યશસ્વી કામગીરી કરી છે. સહકારી કટોકટીના કાળમાં પણ બેંકે  પોતાની શાખ જાળવીને કામગીરી કરી છે.ઇડર સહકારી બેંકના ચેરમેન શ્રી તારાચંદ સોનીએ સ્વાગત પ્રવચનમાં બેંકની કામગીરીની રૂપરેખા આપી હતી.ઇડર નાગરિક સહકારી બેંક દ્વારા મુખ્યમંત્રીશ્રીને ચેક અપાયો હતો.પ.પૂ. આચાર્ય શ્રી જયસાગર મહારાજે આશીવર્ચનમાં જૈન શાસનના સિધ્ધાંતો અને ગુજરાતની સહકારિતા પ્રવૃત્તિને બિરદાવી હતી.આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જશવંતકુમારી, ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડીયા, જિલ્લાના ભાજપા પૂર્વ અધ્યક્ષ શ્રી પૃથ્વીરાજ પટેલ, સાબર ડેરી પૂર્વ ચેરમેન શ્રી જેઠાભાઇ પટેલ, ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન શ્રી મહેશ પટેલ, એ.પી.એમ.સી., ઇડરના ચેરમેન શ્રી હિતેષ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણા ડી. કે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, સહકારી રજીસ્ટ્રાર શ્રી નલિન ઉપાધ્યાય, બેંકના ડીરેકટરશ્રીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.5

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.