Abtak Media Google News

લોધિકા તાલુકાના છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યક્તિઓને શોધવાની કપરી કામગીરીની સરાહના

રાજકોટમાં પુરની સ્થિતિમાં બચાવ કામગીરી માટે નેવીની ટીમને પોરબંદરથી રાજકોટ બોલાવવામાં આવી હતી. આ ટીમે રાજકોટમાં જીવના જોખમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે નેવીની ટીમે ઉદ્યોગપતિની કારને અને તેના મૃતદેહને શોધી કાઢ્યો હતો. હાલ આ ટીમની કામગીરી પૂર્ણ થઈ હોય તેને કલેકટર કચેરીએ બોલાવવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને ગ્રામ્ય પ્રાંત વીરેન્દ્ર દેસાઈએ નેવીની ટીમને બિરદાવી હતી. બાદમાં આ ટીમ પોરબંદર જવા રવાના થઈ હતી.

તા. 13મી ના રોજ ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં નદીઓ માં આવેલા ધોડાપુરમાં ફસાયેલા લોકોને બચાવ માટે જીલ્લા વહિવટીતંત્ર દ્વારા તવરીત કામગીરી કરાઇ હતી. લોધીકા તાલુકાના છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યક્તિઓની ભાળ મેળવવામાં ત્વરીત રીસપોન્સ સાથે સતત કાર્યરત રહેલ પોરબંદર નેવીના કલીયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર અરુણ મહેશ બાબુએ બિરદાવી હતી.

બનાવની વિગતો મુજબ તા. 13મી એ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના વિવિધ નદીઓમાં ધોડપુર સમા પાણી વહેતા હતા. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના છાપરાગામ પાસેથી પસાર થતી રાજકોટના ઉદ્યોગપતિ અને પેલીકન કંપનીના માલીક એવા કિશનભાઇ શાહ, ડ્રાઇવર તથા અન્ય વ્યકતિ નદીના વહેતા પાણીમાં કાર સાથે તણાયાની માહિતી મળતા કલેકટર અરુણ મહેશ બાબુએ ત્વરીત એકશન લઇને ઇન્ડીયન નેવીના ગુજરાત એરીયાના ફલેગ ઓફીસર રીઅર એડમીરલ પુરૂવિર દાસને મદદ માટે ટીમની માંગ કરી હતી. બનાવને ધ્યાને લઇને તુરત જ પોરબંદર નેવીની ચીફ ડાઇવીંગ સાથેની કલીયરન્સ અને ડાઇવીંગ ટીમ રાજકોટ ખાતે રવાના કરી હતી.

19 સભ્યો સાથેની આ ટીમ રાત્રે 12 વાગ્યે રાજકોટ  ખાતે આવી પહોંચ્યા હતા. તા. 14મી એ સવારે 6-00 કલાકે આ ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાંત અધિકારી વિરેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ તુરત તેમના સાધનો સાથે તણાયેલી કાર અને વ્યક્તિઓની ભાળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુહતું. રોપ (દોરડા) સાથે ખાસ પ્રકારના હુક ગોઠવી આધુનીક ટેકનીક દ્વારા પ્રથમ કાર અને ત્યારબાદ કિશનભાઇ શાહનો મૃતદેહ બહાર કાઢયો હતો.

તણાયેલી કાર અને વ્યકતિની ભાળ મેળવવાની કામગીરમાં ત્વરીત રીસ્પોન્સ માટે પોરબંદર નેવીના કલીયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર અરુણ મહેશ બાબુએ બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.