Abtak Media Google News

રાજકોટમાં ઓમિક્રોનની એન્ટ્રી અને શાળાઓમાં વધતા સંક્રમણને પગલે તંત્ર એલર્ટ

જિલ્લામાં ઓમિક્રોનના પ્રથમ દર્દીના કોન્ટેકટમાં આવેલા 132 લોકોના રિપોર્ટ નેગેટિવ : તાન્ઝાનિયાના અને ઓસ્ટ્રેલિયાથી આવેલા બીજા ત્રણ લોકો પણ શંકાસ્પદ, ત્રણેયના રિપોર્ટની જોવાતી રાહ

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોનાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તેમજ શાળાઓમાં પણ કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ થયું છે. જેમાં સ્કૂલ રિક્ષાઓમાં અને બીઆરટીએસમાં નિયમ મુજબ જ મુસાફરો ભરવા કલેક્ટરે લગત વિભાગોને આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટની આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૩ વર્ષના યુવકને ઓમીક્રોન વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા છેલ્લા ત્રણ દિવસથી તેમને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રખાયા હતા. અને તેમનું સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાન્ઝાનિયાના આ યુવકની રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ યુવકના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ 11 તથા અન્ય 121 મળી 132 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ જિલ્લામાં અન્ય બે તાન્ઝાનિયાથી આવેલા લોકો પણ શંકાસ્પદ હોય આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી આવેલ એક વ્યક્તિ પણ શંકાસ્પદ જણાઈ આવ્યો છે. આ ત્રણેય લોકોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્રણેય રિપોર્ટ એકાદ બે દિવસમાં આવી જાય તેવી સંભાવના છે.

આ ઉપરાંત શાળાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી ગયું હોય, તંત્ર દ્વારા શાળાઓને તકેદારી રાખવાની તથા શંકાસ્પદ કેસ જણાયે તુરંત જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં શાળાઓમાં તકેદારી રાખવામાં આવી રહી છે. પણ વિદ્યાર્થીઓ જે સ્કૂલવાનમાં શાળાએ જાય છે તેમાં બેદરકારી દાખવી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરવામાં આવતા હોય, તેવું ધ્યાને આવતા કલેક્ટર દ્વારા આરટીઓને ચેકીંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. વધુમાં વિદ્યાર્થીઓ બીઆરટીએસ બસોમાં પણ મુસાફરી કરતા હોય છે. બીઆરટીએસ બસોમાં પણ નીયમથી વધુ મુસાફરો ભરવામાં આવતા હોય આ સંબંધે બીઆરટીએસને નિયમ મુજબ મુસાફરો બેસાડવાની સૂચના આપવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એક તરફ શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ જિલ્લામાં ઓમીક્રોનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. એટલે તંત્ર એલર્ટ બન્યું છે. આ મામલે આજે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.