Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રના કોઇપણ ખૂણે વસેલા વ્યક્તિના મનમાં એક આશ ચોક્કસ હોય છે કે રાજકોટમાં એક આસરો હોવો જોઇએ. આંખોમાં સપના આંજીને આવનારા કોઇપણ આશાસ્પદ વ્યક્તિના સપનાને પાંખો આપનારૂં શહેર એટલે રાજકોટ. રાજ્યનો ચોથા નંબરનું સૌથી મોટું શહેર આજે વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન ધરાવે છે. રાજકોટ મહાનગરપાલિકા આગામી 19મી નવેમ્બરના રોજ 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આભ સાથે વાતો કરતી ઉંચી ઇમારતો, બ્રિજ પર બ્રિજથી મહાનગર જેવો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટી હવે રાજકોટનું અણમોલ આભૂષણ બની ગયું છે. 50 વર્ષમાં રાજકોટે ત્રણ વખત પોતાના સિમાડાને વિસ્તાર્યો છે. વર્ષો તો માત્ર એક અંક છે.

Advertisement

જેટ ગતિએ આગળ ધપતુ રાજકોટ હવે મેટ્રો સિટીની રેસમાં દોડી રહ્યું છે

આંખોમાં સપના આંજીને આવો આ શહેર તમામના સપના સાકાર કરવા માટે સક્ષમ: કોર્પોરેશનને 19મીએ 50 વર્ષ પુર્ણ

પરંતુ રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશને 50 વર્ષમાં જે વિકાસના સિમાચિહ્ન હાંસલ કર્યા તેની નોંધ લેવી આવશ્યક છે.  સ્વતંત્રતા મળી એ પહેલા એટલે કે 1947 પહેલા રાજકોટ શહેરમાં બે સુધરાઇ અસ્તિત્વમાં હતી. હાલ શહેરની મધ્યમાંથી પસાર થઇ રહેલા ઢેબર રોડ પર એ વખતે ગોંડલ સ્ટેટની માલિકીની રેલ્વેલાઇન પસાર થતી હતી અને હાલના મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગનો રોડના કાંઠા પરનો ભાગ રેલ્વે સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ સમયે રાજકોટ શહેર બે હિસ્સામાં વહેંચાયેલું હતું. રેલ્વે ટ્રેકથી પશ્ર્ચિમ તરફનો શહેરી વિસ્તાર બ્રિટીશ સલ્તનતના કબ્જા હેઠળ હતો અને સદર તરીકે ઓળખાતો હતો તથા રાજકોટ સિવીલ સ્ટેશન નામથી ઓળખાતી હકુમત દ્વારા સંચાલિત સુધરાઇ તંત્ર દ્વારા વિકાસ કાર્યો કરતા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકીય કારકિર્દીને આ શહેરે વેગ આપ્યો છે: રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ રાજકોટ આપી ચુક્યુ છે

આભ સાથે વાતો કરતી વિશાળ ઇમારતો, બ્રિજ પર બ્રિજથી મહાનગરી મુંબઇ જેવી રોનક: સ્માર્ટ સિટીના ઘરેણાએ શહેરની રોનકમાં કર્યો વધારો

જ્યારે રેલ્વે ટ્રેકની પૂર્વ તરફનો શહેરી વિસ્તાર રાજકોટ સ્ટેટની સલ્તનતની હેઠળ વિકસ્યો હતો, બ્રિટિશ સરકારની માફક રાજકોટ સ્ટેટ દ્વારા પણ પોતાની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની સુવિધા માટે સુધરાઇ ચલાવવામાં આવતી હતી અને મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે રામસિંહજી જાડેજા સુધરાઇનું સંચાલન કરતાં હતાં. વધુ એક આશ્ર્ચર્યજનક બાબત એ પણ જાણવા જેવી છે કે બંને સુધરાઇના તંત્રવાહકો કર સંબંધી તથા ઇત્તર ધારા ધોરણના જે નિયમો અમલમાં મૂક્યા હતા તે અલગ-અલગ હતા. એક જ શહેરમાં બે સુધરાઇ અને અલગ અલગ નિયમો ! દેશને આઝાદી મળ્યા બાદ રાજકોટ શહેરના બંને ભાગ એક થઇ ગયા અને ઓર્ડીનન્સ નં.10 અને 1949 સૌરાષ્ટ્ર આજ્ઞાપત્રિકા તા.28/6/1949માં પ્રસિદ્ધ થયા અનુસાર રાજકોટ બરો મ્યુનિસિપાલિટીની સ્થાપના થઇ અને તેનો વહીવટ બોમ્બે મ્યુ. બરો એકટ 1925 અને ગુજરાત મ્યુ. એકટ 1963 અનુસાર ચાલતો. સને 1951માં થયેલી વસતિ ગણતરી પ્રમાણે રાજકોટ શહેરની લોકસંખ્યા 1,33,535ની હતી.

રાજકોટમાં સર્વપ્રથમ લોકનિયુક્ત સભાસદોની ચૂંટણી તા.27/9/49ના રોજ થઇ હતી, રાજકોટ બરો મ્યુનિસિપાલિટીના જનરલ બોર્ડમાં 35 લોકનિયુકત પ્રતિનિધિઓ હતા. જેમાં હરીજન અનામત અને સ્ત્રી અનામત કક્ષામાં બબ્બે બેઠકોનો સમાવેશ થતો હતો. રાજકોટ બરો મ્યુ.ના સને 1951-52નાં વાર્ષિક અહેવાલમાં નોંધાયા પ્રમાણે જનરલ બોર્ડ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટી, પબ્લિક વર્કસ કમિટી, હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી તથા રૂલ્સ કમિટી દ્વારા નિર્ણયો લેવામાં આવતા હતા. સને 1964-65માં બરો મ્યુનિસિપાલિટીનું રાજકોટ નગરપાલિકામાં રૂપાંતર થયું અને લોકનિયુક્ત પ્રતિનિધિઓની સંખ્યા 40 થઇ હતી. રાજકોટ શહેરનું ભૌગોલિક બંધારણ ગુજરાત રાજ્ય પંચાયત અને આરોગ્ય ખાતાના હુકમ નં. : કે. પી. (72) 251 આર.સી.એન.-4172-1068 થી તા.27/10/72 અનુસાર મંજુર થયેલ હતું દરમ્યાન તા.19/11/1973ના રોજ રાજકોટ નગરપાલિકાનું રાજકોટ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું, ત્યારબાદ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ : 1949 હેઠળ તંત્ર કાર્યરત થયું. 69 ચો.કી.મી. ક્ષેત્રફળ ધરાવતા શહેરને કુલ : 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવ્યું હતું.

સભાસદોની સંખ્યા 51 નિયત થઇ અને તેમાં બે સીટ પછાત જ્ઞાતિ માટે અનામત હતી. તમામ વોર્ડમાં સભાસદોની સંખ્યા (હાલ માફક) સમાન ન હતી. સને 1995માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઇ, એ પહેલાં રાજકોટની નવી વોર્ડ રચના અમલી બની અને તે પ્રમાણે 20 વોર્ડ રચાયા, જેમાં પ્રત્યેક વોર્ડમાં ત્રણ-ત્રણ કોર્પોરેટરોની સંખ્યા નિયત થઇ હતી.જુન- 1998માં રાજ્ય સરકારએ રાજકોટના પરા વિસ્તાર સમાન હૈયા નગરપાલિકા, નાનામવા નગર પંચાયત અને મવડી નગરપંચાયતના વિસ્તારો રાજકોટમા ભેળવી દેતા ક્ષેત્રફળ વધીને 104.86 ચો.કી.મી. થયું. 1999માં રાજ્ય સરકારે નવા ભળેલા વિસ્તારોને નવા ત્રણ વોર્ડમાં વિભાજીત કરવા જાહેરનામુ પ્રસિધ્ધ થયું હતું અને રાજકોટ મહાનગરપાલિકાની 69 બેઠકો માટે ચૂંટણી થઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 44 અને ભાજપને 25 બેઠકો પ્રાપ્ત થઇ હતી. આ બોર્ડ 15મી ઓકટોબર-2000ના રોજ અસ્તિત્વમાં આવેલ હતું. જ્યારે ડીસેમ્બર-2010 થી નવી ચૂંટાયેલી બોડીએ કાર્યભાર સંભાળી લીધો હતો. 58 બેઠકોની બહુમતિ સાથે ભારતીય જનતા પાર્ટીએ શાસનની ધુરા સંભાળેલ, જ્યારે 11 બેઠકો સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ વિરોધપક્ષની જવાબદારી વહન કરી હતી. મેયરપદ માટેની મુદત અઢી વર્ષની હતી.

જ્યારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત એક એક વરસની હતી. દરમ્યાન, જુન-1998માં રાજકોટની હદ વિસ્તર્યા બાદ ફરી એક વખત જાન્યુઆરી-2015માં રાજ્ય સરકારએ રાજકોટની હદનું વિસ્તરણ કર્યું હતું. જેમાં કોઠારીયા ગ્રામ પંચાયતનો 17.86 ચો.કિ.મી. વિસ્તાર અને વાવડી ગ્રામ પંચાયતનો 6.49 ચો.કિ.મી. વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવી દેવાતા રાજકોટ શહેરનું ક્ષેત્રફળ 104.86 ચો.કિ.મી.થી વધીને 129.21 ચો.કિ.મી. થયું છે. સાથો સાથ રાજકોટ મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકનમાં શહેરના 23 વોર્ડની સંખ્યા ઘટાડીને 18 કરવામાં આવી અને અગાઉ વોર્ડ દીઠ ત્રણ-ત્રણ કોર્પોરેટરની જે સંખ્યા હતી તે વધારીને ચાર ચાર કરાતા શહેરમાં કુલ 72 કોર્પોરેટરની સંખ્યા નિશ્ર્ચિત થઈ હતી. નવેમ્બર 2015માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની આ 72 બેઠકો માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 38 અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 34 બેઠકો પ્રાપ્ત થઈ હતી. તા.14-12-2015ના રોજથી નવી ચૂંટાયેલી પાંખે કાર્યભાર સંભાળેલ હતો.  જેમાં મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્ર્વર અને માધાપર ગ્રામ પંચાયત (મનહરપુર-1 સહિત) હદ વિસ્તારનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થતાં રાજકોટનું કુલ ક્ષેત્રફળ 161.86 ચો.કિ.મી. થયું છે.

ફેબ્રુઆરી, 2021માં યોજાયેલ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 68 અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 4 બેઠક પ્રાપ્ત કરી હતી. ચૂંટાયેલ નવા પદાધિકારીઓએ તા.12-03-2021ના રોજ પોતાનો પદભાર સંભાળેલ હતો. રાજકોટ પાલિકા હતુ ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ નગરસેવક તરીકે ચૂંટાયા હતા. જેની રાજકીય સફળ ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચી. આ ઉપરાંત પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન વિજયભાઇ રૂપાણીએ પણ સતત પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી.  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પોતાની જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડ્યા હતા. રાજકોટથી શરૂ થયેલી નરેન્દ્રભાઇની રાજકીય યાત્રા આજે જેટગતિએ દોડી રહી છે. તેઓ માત્ર ભારતના નેતા ન રહેતા હવે એક વૈશ્ર્વિક લીડર તરીકે ઉભરી રહ્યા છે. મહાપાલિકાના 50 વર્ષના કાર્યકાળમાં માત્ર 2000થી 2005 સુધીની પાંચ વર્ષની ટર્મ માટે કોંગ્રેસને સત્તા સુખ મળ્યું હતું. બાકીના તમામ 45 વર્ષ ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે. લોકોની તમામ અપેક્ષાઓ આ શહેર પૂર્ણ કરી રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના તમામ ગામોના લોકો અહીં વસવાટ કરવા માટે આવી રહ્યા છે.

સ્માર્ટ સિટી રાજકોટની રોનકમાં વધારો કરશે અહીં અટલ સરોવરના નિર્માણથી રંગીલા રાજકોટવાસીઓને વધુ એક ફરવા લાયક સ્થળ પુરૂં પાડશે. 50 વર્ષમાં એકપણ નવો જળ સ્ત્રોત ઉભો નથી કરી શક્યા તે રાજકોટની સૌથી મોટી નબળાઇ છે. શહેરનો વિસ્તાર અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની સાથે જળ સ્ત્રોત સિમિત છે. નર્મદા મૈયાની કૃપાથી આ શહેર તરસ્યું નથી રહેતું પણ વિકાસને ખરેખર વધુ મજબૂત બનાવવો હશે તો પાણીદાર બનવું જ પડશે.  50 વર્ષ પૂર્ણ કરવાની સિધ્ધીની ચોક્કસ ઉજવણી કરવી જોઇએ. પરંતુ આ ઉજવણીમાં શહેરને વધુને વધુ કેમ વિકસીત કરી શકાય અને લોકોની સુખાકારી કેવી રિતે વધારી શકાય તેનો પણ સંકલ્પ લેવો જોઇએ. વિકાસ નિરંતર ચાલતી પ્રક્રિયા છે એ વાત ક્યારેય ભૂલવી જોઇએ નહીં.

હેપીનેશ ઇન્ડેકક્ષમાં વધારો કરવાનો કોર્પોરેશનનો પ્રયાસ: મેયર

રાજકોટની ગણતરી સૌરાષ્ટ્રના પાટનગર તરીકે થાય છે.મહાપાલિકા 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.ભાજપના શાસકોની નિષ્ઠાના કારણે આજે રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ઘસમસી રહ્યું છે.શહેરીજનોનું જીવન ધોરણ સુધરે તે માટે સતત અમે પ્રયત્નશીલ છીએ.તેમ રાજકોટ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ જણાવ્યુ હતુ.તેઓએ વધુમાં ઉમેંર્યું હતું કે,રાજકોટ મ્યુનિસિપાલિટીમાંથી રાજકોટને 19-મી નવેમ્બર,1973 ના દિવસે મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલ. આગામી 19-મી નવેમ્બર,2023 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. સ્થાપનાની 50 મી વર્ષ ગાંઠ નિમિતે ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવાઈ રહ્યું છે. રાજકોટ શહેરને મહાનગરપાલિકાનું બિરૂદ મળ્યા તારીખથી આજ દિવસ સુધી અનેકવિધ વિકાસ કામો, પ્રાથમિક સુવિધાનાં કામો, શહેરી ટ્રાન્સપોર્ટેશન, શહેરી ગરીબોને આવાસ યોજના, હરવા-ફરવાના સ્થળનાં વિકાસ, સ્ટ્રીટ વેન્ડર્સ માટેના હોકર્સ ઝોન, બગીચાઓ વગેરે કામો હાથ ધરવામાં આવેલ છે.

આગામી સમયમાં શહેરના માળખાકીય વિકાસ માટે સ્માર્ટ સિટીનાં કામો, આજી રીવરફ્રન્ટનું કામ, ટ્રાફિક સમસ્યાનાં નિવારણ માટે ઓવરબ્રિજ તથા અન્ડરબ્રિજનાં કામો, લાયન સફારી પાર્ક વગેરે કામો હાથ ધરવામાં આવનાર છે. આ કામોથી શહેરીજનોના જીવન ધોરણનું ઉચ્ચું આવશે તેમજ હેપીનેશ ઇન્ડેકક્ષમાં વધારો થશે.લોકોની સુખાકારી માટે મહાપાલિકા દ્રારા અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે આગામી દિવસોમાં  પણ રાજકોટવાસીઓ સુખાકારી માટે અનેક પ્રોજેકટ સાકાર કરવામાં આવશે. ટ્રાફિકની, પ્રદુષણની, પાણીની,રખડતા પશુઓની સમસ્યાઓમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે કોર્પોરેશન કટીબદ્ધ છે.

મેટ્રો સિટી બનવા ભણી ધીમી પણ મક્કમ કૂચ કરતું રાજકોટ:મ્યુનિસિપલ કમિશનર

રાજકોટ નગરપાલિકા તા.19/11/1973નાં રોજ રાજકોટ મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઇ ત્યારબાદ રાજકોટ શહેરે વિકાસ પથ પર ઝડપી પ્રગતિની દિશામાં એક નવી સફર શરૂ કરી. આ કૂચને પચાસ વર્ષ  થઇ રહ્યા છે ત્યારે અત્યારના રાજકોટ શહેર પર વિહંગાવલોકન કરીએ તો એમ સમજાય છે કે, આગામી વીસ પચ્ચીસ વર્ષમાં રંગીલું રાજકોટ મેટ્રો સિટી તરીકેની એક નવી ઓળખ મેળવી શુક્યું હશે.

સને 1951માં રાજકોટની વસતી 1.31 લાખ હતી, જે 1981ની સાલમાં 4.44 લાખ, 1991ના વર્ષમાં આશરે 5.50 લાખ, સને 2001માં 10 લાખથી વધુ અને 2011ની સાલમાં આશરે 13.50 લાખ જેવી થઇ હતી. જે અત્યારે લગભગ 20 લાખ સુધી પહોંચી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભળતા ગયેલા નવા નવા વિસ્તારો તેમજ અન્ય શહેરોના લોકોનું રાજકોટમાં સ્થળાંતર થવાથી શહેરની વસતીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સ્વાભાવિકરીતે જ આવા સંજોગોમાં રાજકોટને વિકાસ પથ પર અવિરત અને ઝડપી રફતારથી પ્રગતિ કરતુ બનાવી રાખવા મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. શહેરની વસતી અને વિસ્તારોમાં થતા વધારાને ધ્યાનમાં રાખીએ તો એમ સમજાય છે કે, રાજકોટ શહેર મેટ્રો સિટી બનવા ભણી ધીમી પરંતુ મક્કમ કૂચ કરી રહ્યું છે અને આગામી 20 થી 25 વર્ષમાં મેટ્રો સિટી તરીકે જાણીતું પણ બની ચુક્યું હશે

આગામી વીસ-પચ્ચીસ વર્ષ પછીના રાજકોટમાં વસતા નાગરિકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ અને સુવિધાઓની સમાયંતરે સમીક્ષા થતી રહે અને આવશ્યકતા અનુસાર જે તે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ હાથ પર લેવામાં આવે તે દિશામાં વહીવટી તંત્ર કાર્યરત્ત છે. લોકોની પાયાની મૂળભૂત જરૂરિયાતોમાં પીવાનું શુધ્ધ પાણી, વાહનોની વધી રહેલી સંખ્યાને નજર સમક્ષ રાખી સરળ પરિવહન માટે પર્યાપ્ત પહોળાઈના રસ્તાઓ, જે તે સ્થળોએ ઓવર બ્રિજ, અન્ડર બ્રિજ, ટ્રાફિક સર્વેલન્સ અને કંટ્રોલ સિસ્ટમ, વ્યાપક સ્તર પર સિટી બસ – બી.આર.ટી.એસ. જેવી જાહેર પરિવહન સેવાઓ, ભવિષ્યની જરૂરિયાત મુજબ સંભવિતતા અનુસાર મેટ્રો ટ્રેઈનની સેવા, જાહેર સ્વચ્છતા, અવનવી લેટેસ્ટ ટેકનોલોજી આધારિત વહીવટી સેવાઓ અને સુવિધાઓ, ઉપરાંત ખુબ મોટી વસતીને ધ્યાને લઈને પર્યાપ્ત માત્રામાં આરોગ્યલક્ષી સેવાઓ, તેમજ શૈક્ષણિક સુવિધાઓ, માત્ર એટલું જ નહીં નાગરિકોને હરવા ફરવા અને આનંદપ્રમોદ માટે પણ પર્યાપ્ત સ્થળો ઉપલબ્ધ બનાવવા, મહાનગરપાલિકાની હદ પૂર્ણ થાય ત્યાંથી શરૂ થતી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની હદમાં સમાવિષ્ટ ગામોનો પણ સમાંતર વિકાસ, પર્યાવરણ સુરક્ષા, વગેરે ઉપલબ્ધ બનાવવા માટે સમયાંતરે આવશ્યક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેતું હોય છે.

છેલ્લા બે દસકામાં રાજકોટ મહાનગરપાલિકાની ભૌગોલિક હદ અને વસતિમાં વધારો થતા તંત્રની જવાબદારીઓમાં ધરખમ વધારો થયો છે. આજથી વીસ વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના બજેટનું કદ રૂ. 240 કરોડ હતું, જેની તુલનાએ અત્યારે નાણાંકીય વર્ષ 2023-24નાં બજેટનું કદ વધીને રૂ.2637.80 કરોડનું થયું છે.

કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને “એઈમ્સ”ની ભેંટ મળતા શહેરને ગૌરવ પ્રાપ્ત થયું છે. સાથોસાથ રાજ્ય સરકાર તરફથી આધુનિક બસ પોર્ટનું નિર્માણ થતા લોકોને નવી સુવિધા મળી છે. સાથોસાથ એક નવું સેટેલાઈટ બસ સ્ટેન્ડ પણ કાર્યરત કરવામાં આવેલ છે જે શહેરની ભાવિ જરૂરીયાતો અનુસંધાને લેવામાં આવી રહેલા પગલાંઓ સૂચવે છે.

આગામી ટૂંક સમયમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂર્ણતા તરફ છે ત્યારે ભવિષ્યમાં સ્માર્ટ સિટી શહેરના નવા સિટી સેન્ટર તરીકે વિકાસ પામે તે રીતે આયોજનની જરૂરિયાત ધ્યાને લેતા આ બાબતે જરૂરી પગલાં સુનિશ્ચિત કરવામાં આવશે. રાજકોટ માટે શહેરી પરિવહનને વધુ સુદ્રઢ અને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવા માટે નજીકના ભવિષ્યમાં ડીઝલ બસોને બદલે સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવામાં આવનાર છે. વિકસતા શહેરની પાણીની જરૂરિયાતોને ધ્યાને લેતા અલગ અલગ વિસ્તારોમાં સ્ટોરેજ અને ફિલ્ટરેશનની વધુ કેપેસિટી ધરાવતા પ્લાન્ટ બનાવવાનું આયોજન છે.

શહેર માટે યાતાયાત અને સુગમાંતાના દ્રષ્ટિકોણને અનુકુળ મોબિલિટી પ્લાન બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. શહેરીજનોને વધુ ને વધુ ગ્રીન કવર મળી રહે તે રીતે અલગ અલગ વિસ્તારોમાં વધુ ને વધુ બગીચાઓના વિકાસનું આયોજન પણ છે.

વિજયભાઇ રૂપાણીના સીએમ તરીકેના કાર્યકાળમાં રાજકોટના વિકાસને પાંખો મળી

રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં રાજકોટના વિકાસને અભૂતપૂર્વ વેગ મળ્યો હતો. શહેરની જળ જરૂરીયાતને સંતોષતા આજી અને ન્યારી-1 ડેમ સાથે સૌની યોજનાનું જોડાણ કરી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી. બન્ને ડેમ ભર ઉનાળે પણ ઓવરફલો થવા સક્ષમ બન્યા. આ ઉપરાંત એઇમ્સ,  એરપોર્ટ જેવું બસ પોર્ટ, આંતર રાષ્ટ્રીય એરપોર્ટ, અનેક બ્રીજ, રાજકોટની આસપાસના પાંચ ગામોનો મહાપાલિકામાં સમાવેશ કર્યા ધડાધડ ટીપી સ્કીમ મંજુર કરી જેના કારણે શહેરના વિકાસને પાંખો મળી.

નવા ભળેલા વિસ્તારોને સ્માર્ટ સિટી જેવી સુવિધા અપાશે: જયમીન ઠાકર

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે રાજકોટના વિકાસના આયોજન અંગેના વિઝન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, નવા ભળેલ વિસ્તારોમાં પાયાની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પુરતા પ્રમાણમાં વિવિધ વિકાસ કાર્યો શરૂ કરી અને સંપન્ન કરવાનો સંકલ્પ છે. શહેરના નવા ભળેલ વિસ્તારોમાં નવી આંગણવાડીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, સ્વિમિંગ પુલ, ઓડીટોરીયમ, બાગ બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લાઈબ્રેરી, કોમ્યુનીટી હોલ, રોડ રસ્તાઓ, ડ્રેનેજ લાઈનો, પીવાના પાણીની સુવિધા માટે હાઈ પ્રેસર વોટર પાઈપલાઈન, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટીંગ સહિતની જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય પ્રયાસો કરવા કટીબદ્ધ છીએ. આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા માટે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા પ્રયાસો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.