Abtak Media Google News

31મી મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઇ કરનાર કરદાતાઓને 10 થી લઇ 22 ટકા સુધી ડિસ્કાઉન્ટ અપાશે: વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમની અવધી 15મી મે સુધી વધારાઇ

પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વળતર યોજનાનો આવતીકાલથી આરંભ થઇ રહ્યો છે. જેમાં 31મી મે સુધીમાં નાણાકીય વર્ષ-2023-2024નો એડવાન્સ વેરો ભરપાઇ કરનાર કરદાતાઓને વેરામાં 10 થી લઇ 22 ટકા સુધીનું માતબર વળતર આપવામાં આવશે. બીજી તરફ ચડત વેરામાં હપ્તા સિસ્ટમની મુદ્ત પણ 15મી મે સુધી વધારવામાં આવી હોવાની જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ એડવાન્સ વેરો ભરપાઇ કરતા મિલકતધારકોને વળતર આપવામાં આવે છે. આવતીકાલથી આ યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે. જે અંતર્ગત 31મી મે સુધીમાં સંપૂર્ણ રકમ ભરપાઇ કરનાર કરદાતાને વેરામાં 10 ટકા વળતર આપવામાં આવશે. જ્યારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ પાંચ ટકા વળતર સાથે કુલ 15 ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન વેરો ભરપાઇ કરનારને વધુ એક ટકો અને સતત ત્રણ વર્ષથી આ યોજનાનો લાભ લેનાર કરદાતાને વિશેષ એક ટકાનું લોયલટી બોનસ આપવામાં આવશે.

જ્યારે 40 ટકાથી વધુ ડિસેબીલીટી ધરાવતા વ્યક્તિના નામે જો રહેણાંક મિલકત નોંધાયેલી હશે તો તેને પાંચ ટકા વધુ વળતર આપવામાં આવશે. જૂન માસમાં વળતર અડધું થઇ જશે. જેમાં ઓછામાં ઓછું પાંચ ટકા અને વધુમાં વધુ 10 ટકા વળતર આપવામાં આવશે. મિલકતધારકો કોર્પોરેશનના તમામ સિવિક સેન્ટરો, વોર્ડની મુખ્ય ઓફિસ અને ઓનલાઇન વેરો ભરપાઇ કરી શકશે. આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે ચડત વેરામાં હપ્તા યોજનાની મુદ્ત પણ 15મી મે સુધી વધારવામાં આવી છે. જે યોજનાનો આવતીકાલથી આરંભ થઇ રહ્યો છે.

ગત વર્ષ 2022-23માં મિલકતધારકોને મિલકતવેરાની અને પાણીવેરાની ચડત રકમ ખુબ જ મોટી હોય છે અને આ રકમ પર વાર્ષિક 18%ના દરે વ્યાજ ચડતું હોય છે. આવા મિલકતધારકોને હપ્તા સિસ્ટમથી પાછલી બાકીની રકમ ભરીશકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમઅમલમાં મુકેલ. આ સ્કીમમાં ચાલુ વર્ષનો સંપૂર્ણ વેરો ભરપાઈ કરવાનો અને પાછલી બાકીની રકમના 10% રકમ ભર્યેથીબાકી રહેલ રકમ પરનું વ્યાજ ચડતું બંધ થાય અને ત્યારબાદ દર વર્ષે અનુક્રમે 15%, 25%, 25% અને 25% હપ્તાની સિસ્ટમ રાખેલ હતી. જેની મુદત 31 માર્ચ સુધી હતી.

ઉપરોક્ત સ્કીમનો વધુમાં વધુ મિલકતધારકો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષ 2023-24 વર્ષનો મિલકતવેરો સંપૂર્ણ ભરપાઈ કરે અને પાછલી બાકીની રકમના 25% રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સ્કીમ પછીના દરેક વર્ષ માટે પાછલી બાકી રકમના 25% મુજબ કુલ 4 હપ્તા ભરપાઈ કરવાના રહેશે.ચાર વર્ષમાં મિલકતધારક પાછલી બાકીમાંથી નીકળી જશે અને વ્યાજ ચડતું બંધ થશે. આ સ્કીમનો લાભ આગામી 15/05/2023 સુધીમાં મિલકતધારકો લઈ શકશે.

વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમના કારને મિલકતધારકને એકી સાથે રકમ ભરવાનું ભારણ રહેશે નહી જેથી શહેરના મિલકતધારકોએ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.