Abtak Media Google News

રાજકોટ સ્થિત અરનો એક્ઝિમ અને ફેઈર ડીલ નામની કંપનીઓ પાસેથી એડવાન્સ પેમેન્ટ પેટે કરોડો રૂપિયા લઈ માલ સપ્લાય ન કરનાર અમદાવાદના પ્રખ્યાત ઈન્ફિનિટી મેટલ્સના માલિક સામે રાજકોટની અદાલતમાં થયેલ ચેક રીટર્નની ફોજદારી ફરીયાદમાં અદાલતે હાજર થવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના નાનામૌવા રોડ પર આવેલ મિલેનિયમ ટાવરમાં ‘અરનો એકઝિમ’ અને ‘ફેઈર ડીલ’ નામની કંપનીઓના અધિકૃત વ્યક્તિ જગદીશભાઈ પટેલે પોતાની અદાલત રૂબરૂની બે અલગ-અલગ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ખરીદ-વેંચાણ તથા ઈમ્પોર્ટ એક્ષપોર્ટનું કામકાજ કરવામાં આવે છે અને તેમની ધંધાકીય જરૂરીયાત માટે કોપર સ્ક્રેપ અને કોપર કેથોડસની સપ્લાય માટે બંન્ને પેઢીઓમાંથી થઈ કુલ પોણા સાત કરોડ જેવી રકમ એડવાન્સ પેમેન્ટ પેટે જમા કરાવેલ હતી. જે પૈકી ઇન્ફિનિટી મેટલ્સ દ્વારા સવા ચાર કરોડ આસપાસની રકમનું કોપર કેથોર્ડસ તથા કોપર સ્ક્રેપ પુરૂ પાડવામાં આવેલ.

બાકી રહેતી અંદાજે રકમ રૂપીયા બે કરોડ ચાલીસ લાખનો માલ લાંબા સમય સુધી ન મોકલાવતા  રાજકોટની પાર્ટીએ આપેલ એડવાન્સ રકમ પરત માંગેલ હતી. જે રકમ ચુકવવા પેટે આરોપી ‘અરનો એકઝીમ પ્રા.લી.’ના નામનો રૂા. 1,59,17,996/- તથા ‘ફેઈર ડીલ’ પેઢીના નામનો રૂા. 79,75,280/- એમ કુલ બે ચેકો લેખીત બાંહેધરી પત્રો સાથે ફરીયાદી જગદીશભાઈ પટેલને આપેલ હતા. જે બંને ચેક તેમના ખાતામાં જમા કરાવતા બંન્ને ચેકો આરોપીએ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધેલ હોવાના કારણે પરત ફરેલ હતા.

કરોડોની રકમના ચેક પરત ફરતા ફરીયાદી દ્વારા તેમના એડવોકેટ મારફત નોટીસ મોકલવા છતાં ચેક મુજબની રકમ પૈકી રૂપીયા બાર લાખ ફરીયાદીને ચુકવેલ પરંતુ બાકી રકમ ચુકવેલ ન હોય નોટીસ સમય પુરો થતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં ઉપર મુજબની હકીકતો જણાવી ફરીયાદ દાખલ કરેલ હતી.

જે ફરીયાદના કામે રાજકોટના અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે અમદાવાદ ઈન્ફિનિટી મેટલ્સના માલિક આરોપી શાશ્વત અજય કુમાર સોનીને અદાલત સમક્ષ હાજર થવા હુકમ કરેલ હતો. આ કામમાં ફરીયાદી કંપનીઓ તરફે યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, કૃણાલ વિંધાણી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.