Abtak Media Google News

ખૂનની આગલી રાતે પણ તેમને આવું જ એક બિહામણું સપનું આવેલું, જેમાં તેઓ એક બોટમાં બેસીને કોઈક અનિશ્ચિત અંધકારવાળી જગ્યા તરફ ઘસી રહયા હતાં

વોશિંગ્ટન ડી.સી. ખાતેના એ આલિશાન સફેદ બંગલા વિશે આમ તો ઘણી વાતો કહેવાઈ ચુકી છે. અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે રમાતાં રાજકારણને ખુલ્લી પાડતી હાઉસ ઓફ કાર્ડસની કેટલીક સિઝન નેટફ્લિક્સ પર રીલીઝ થઈ ચૂકી છે, પરંતુ વ્હાઈટ હાઉસમાં જોવા મળતાં કેટલાક ખોફનાક દ્રશ્યો અને પીળા રંગના ઓવલ રૂમ (ઈંડા આકારનો કમરો) નો રાઝ આજની તારીખેય અકબંધ છે. ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયેલો આ રહસ્યમય ભૂતકાળ આજે પણ દરેક અમેરિકન પ્રમુખનાં રૂવાડા ઉભા કરી દે છે; પછી એ ચાહે ઓબામા, હિલેરી કિલન્ટન કે ટ્રમ્પ જ કેમ ન હોય!

વ્હાઈટ હાઉસનાં પ્રમુખપદ માટેની ટૂંકી વ્યાખ્યા ખરેખર આવી જ કંઈક હોવી જોઈતી હતી  ગેમ ઓફ થ્રોન્સ! કેટલાંય કાવાદાવામાંથી પસાર થયા બાદ વિશ્વની મહાસત્તાનાં પ્રમુખ બન્યાને કાંટાળો તાજ જ્યારે વ્યક્તિનાં શિરે ચડે છે ત્યારથી તેનાં અનેક દુશ્મનો ઉભા થઈ જતાં હોય છે… દુનિયાભરમાંથી! એપ્રિલ, 1865માં અમેરિકાનાં સોળમાં પ્રમુખ અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના પડઘા આજ સુધી વ્હાઈટ હાઉસમાં શમ્યા નથી. એવી વાત મળી છે કે લિંકનની પત્ની મંત્ર-તંત્રમાં ખુબ વિશ્વાસ ધરાવતી હતી.

પ્રમુખ બન્યા પહેલાથી જ લિંકનને રાતે ચિત્ર-વિચિત્ર સપનાંઓ આવતા. ખૂનની આગલી રાતે પણ તેમને આવું જ એક બિહામણું સપનું આવેલું, જેમાં તેઓ એક બોટમાં બેસીને કોઈક અનિશ્ચિત અંધકારવાળી જગ્યા તરફ ઘસી રહયા હતાં. લિંકનને પોતાની મોતનો ભાસ થઈ ચૂક્યો હતો. તેમણે અગાઉથી જ પોતાની પત્નીને મૃત્યુ વિશેની આગાહી કરી દીધી હતી. આ તો થઈ હત્યાની આગલી રાતની વાત! પરંતુ એ પહેલાના થોડા દિવસો અગાઉ તેમને અમેરિકાના પ્રમુખની મરણક્રિયા પર કેટલાક માણસો આક્રંદ કરી રહયા હોય તેવું સપનું આવ્યું હતું.

જેના પરથી તેઓ પોતાનું આવું ભવિષ્ય ભાખી શકયા હતા. જો કે, લિંકન કદીય આફ્ટર લાઈફ (મૃત્યુ પછીની જીંદગી), અલૌકિક શકિત, આત્માના અસ્તિત્વ વિશે વિશ્વાસુ નહોતા. ડોરિસ કેર્ન્સ ગુડવીન લિખિત લિંકન બાયોગ્રાફી  ટીમ ઓફ રાયવલ્સ: ધ પોલિટિકલ જીનિયસ ઓફ અબ્રાહમ લિંકનમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.

હાલમાં લિંકનના બેડરૂમનો ઉપયોગ અલગ-અલગ કાર્યો માટે થાય છે. દિવસ દરમિયાન કામ માટે અથવા મુલાકાતીઓ માટે આ કમરો આખો દિવસ ધમધમતો રહે છે. રાત પડતાંની સાથે જ હાઈટ હાઉસનાં સ્ટાફ મેમ્બર્સ સહિત હર કોઈ વ્યકિત રૂમને ખાલી કરી દે છે. અમેરિકનોમાં માન્યતા છે કે અબ્રાહમ લિંકનનો અતૃપ્ત આત્મા હજુ પણ વહાઈટ હાઉસની એ ચાર દિવાલો વચ્ચે ભટકી રહ્યો છે. અકાળે મોત થવાને લીધે લિંકનની કેટલીક ઝંખનાઓ અધૂરી રહી જવાને કારણે તેમની સ્પિરિટ ઘણી વાર લોકોને દેખા દે છે.

(1) અબ્રાહમ લિંકનની આત્માને જોયાનો સૌ પ્રથમ દાવો કરનાર ફર્સ્ટ લેડી ગ્રેસ કુલિજ 1923 થી 1929 દરમ્યાન વ્હાઈટ હાઉસમાં રહી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ, ગ્રેસે ઓવલ ઓફિસની બારીમાંથી બહાર દૂર શુન્યમાં તાકતા લિંકનનાં આત્માને નિહાળ્યો હતો.

(2) સન 1942માં યુ.એસ.ની મુલાકાતે આવેલા નેધરલેન્ડની ક્વિન વ્હિલહેલ્મિનાને મધરાતે પોતાનાં રૂમનો દરવાજો કોઈકે ખખડાવ્યો હોય તેવો ભાસ થયો. ઉભા થઈને તેમણે દરવાજો ખોલ્યો તો સામે લિંકનની અસ્પષ્ટ આકૃતિ નજરે પડી, જે જોઈને તેઓ જમીન પર બેહોશ થઈ ગયા.

(3) ફર્સ્ટ લેડી એલેનોર રુઝવેલ્ટની નોકરાણીએ રાત્રીના સમયે લિંકનને તેમનાં બેડરૂમમાં પગ પર પગ ચડાવીને બેઠેલા જોયાનો કિસ્સો નોંધાવ્યો છે.

(4) 1940નાં દશકામાં, વહાઈટ હાઉસની મુલાકાત લેનાર બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલને તે સમયે લિંકનનાં બેડરૂમમાં ઉતારો અપાયો હતો. નાહીને પોતાના બાથરૂમમાંથી બહાર પગ મૂકતાંની સાથે જ રૂમમાં કરાયેલા તાપણાં (ફાયર પ્લેસ)ની બાજુમાં બેઠેલા લિંકનના આત્મા સાથે તેમણે નજર મિલાવી અને ક્ષણભરમાં તો જાણે લિંકનનો આત્મા હવામાં ઓગળી ગયો.

(5) અમેરિકન પ્રમુખ રેગનની દીકરી મૌરીને અવારનવાર વ્હાઈટ હાઉસમાં એક લાલ-નાંરગી પ્રકાશને આવ-જા કરતો જોયો છે, જે અચાનક જ હવામાં અદ્રશ્ય થઈ જાય છે.

(6) પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને તેમના પરિવારજનોએ પણ વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની હાજરીને સતત નોંધી છે.

(7) બિલ ક્લિન્ટનની પ્રેસિડેન્સી દરમ્યાન ફર્સ્ટ લેડી રહી ચુકેલા હિલેરી કિલન્ટને પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્હાઈટ હાઉસમાં વસવાટ કરવો એ કયારેક અતિશય લાગણીસભર કંપન પેદા કરે તેવી બાબત છે. અબ્રાહમ લિંકનના ભૂત વિશેની આખી વાતનાં તાર છેક સન 1860માં વ્હાઈટ હાઉસમાં ફરજ બજાવનાર જેરી સ્મિથ સાથે જોડાયેલા છે.

એસ ગ્રાન્ટના એડમિનિસ્ટ્રેશન કાળ દરમ્યાન ખિજમતદાર રસોઈયા-ચાકર-દરવાન અને સફાઈ કામદાર તરીકે નોકરી કરનાર જેરી સ્મિથે લગભગ 35 વર્ષો સુધી લાગલગાટ વ્હાઈટ હાઉસમાં સેવા આપી. જેરીને ભૂત-પ્રેતની દુનિયા પર આંધળો ભરોસો! તે દ્રઢપણે એવું માનતો પ્રમુખપદ ગ્રહણ કરનાર દરેક મૃત (પૂર્વ) અમેરિકન પ્રેસિડન્ટના પ્રેત હજુ પણ વ્હાઈટ હાઉસમાં ભટકી રહયાં છે. જેરી સ્મિથે પૂર્વ અમેરિકન પ્રમુખો-અબ્રાહમ લિંકન, ગ્રાન્ટ અને મેકક્ધિલીનાં આત્માઓ સાથે રૂબરૂ વાત કર્યાની ઘટવિસ્ફોટ પણ કર્યો હતો . લગભગ એ જ સમયગાળાથી લઈને આજ સુધી દરેક અમેરિકન પ્રમુખ આ વાતે હોંકારો ભણે છે. જે ખરેખર નવાઈ લાગે તેવી વાત છે, કારણ કે એક બાજુ અમેરિકા વિકાસ અને ટેક્નોલોજીની વાતો કરે છે; તો બીજી બાજુ તેના પ્રમુખપદે બિરાજમાન થનાર દરેક વ્યક્તિ વ્હાઈટ હાઉસની અંદર વસવાટ કરનારા અગોચર જગતમાં વિશ્વાસ ધરાવે છે.

અબ્રાહમ લિંકન અને તેમના જેવા અન્ય આત્માઓનાં અસ્તિત્વ બાબતે અમેરિકન પેરાનોર્મલ સોસાયટીમાં ઘણા મતમતાંતર પ્રવર્તે છે. ત્યાનાં એક સંશોધક નિકેલને લાગે છે કે આવી ઘટનાઓને વાસ્તવિક્તા સાથે ખરેખર કોઈ સંબંધ જ નથી. તેઓ આ આખી વાતને ખુલ્લી આંખે જોવાતાં સપના તરીકે માને છે! નિકેલનાં મતે આ બાબત ખૂબ સામાન્ય છે, અને લિંકન સાથે કોઈ રીતે સંકળાયેલ નથી.

અબ્રાહમ લિંકન સિવાય પણ વ્હાઈટ હાઉસ આવા ઘણાં ભેદભરમોથી ભરેલું છે. એક વસ્તુ એ પણ જોવા મળી છે કે આ તમામ આત્મા કોઈને નુકશાન નથી પહોંચાડતા! તેઓ ફકત લોકોને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. કોણ છે આ બાકીના ભટકતાં તત્વો!?

(1) વિલી લિંકન : વ્હાઈટ હાઉસની અંદર જ મૃત્યુ પામેલી આ વ્યકિતના આત્માને 1870માં સ્ટાફ મેમ્બર્સ દ્વારા જોવામાં આવ્યો હતો.

(2) એન્ડ્ર જેકસન : 1860થી કિવન્સ બેડરૂમમાં સાંભળવા મળતા એન્ડ્ર જેકસનના ખોફનાક ડરામણા હાસ્યને કેટલીય વ્યકિતઓએ સાંભળ્યું છે. મેરી ટોડ લિંક્સ પણ આમાંની એક સાક્ષી રહી ચુકી છે.

(3) થોમસ જેફરસન : પીળા રંગના ઓવલ રૂમમાં અવારનવાર અદ્રશ્ય વાયોલિન વગાડતો નજરે ચડે છે.

(4) ડોલી મેડિસન : વ્હાઈટ હાઉસમાં આવેલા રોઝ ગાર્ડનનું રક્ષણ કરે છે.

(5) જોહ્ન ટાયલર : વ્હાઈટ હાઉસના બ્લુ રૂમમાં પોતાની બીજી પત્ની જુલિયા ગાર્ડનરને પ્રપોઝ કરતો જોવા મળે છે.

(6) વિલિયમ હેન્રી હેરિસન : વ્હાઈટ હાઉસમાં મૃત્યુ પામનાર સૌ પ્રથમ અમેરિકન પ્રેસિડન્ટ!

(7) અબીગલ એડમ્સ : પૂર્વ તરફ આવેલા લોન્ડ્રી રૂમમાંથી ઘણીવાર અબીગેલનાં ખુશબોદાર અત્તરની સુવાસ સમગ્ર વ્હાઈટ હાઉસમાં ફેલાય છે. (અબીગેલનું મૃત્યુ એ જ લોન્ડ્રી રૂમમાં થયું હતું.)

(8) ડેવિડ બર્ન્સ : હાલમાં જે જગ્યા પર વ્હાઈટ હાઉસ બિલ્ડિંગ ખડું કરવામાં આવ્યું છે તે 1600, પેનિસ્લોવેનિયા એવન્યુની જમીન પર ડેવિડ બર્ન્સની માલિકી હોવાને લીધે તેનો આત્મા ઓવલ રૂમમાં ફરતો જોવા મળે છે.

(9) એના સરેટ: અબ્રાહમ લિંકનની હત્યાનું કાવતરું કરનાર મેરી સરેટને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. જેના બચાવમાં તેની દિકરી એના સરેટ, એ સમયનાં પ્રમુખ એન્ડ્રુ જેક્સનને વિનંતીઓ કરીને થાકી ગઈ હતી. આજે પણ તેનો આત્મા વ્હાઈટ હાઉસના અમુક દરવાજાઓ ખટખટાવે છે! પોતાની માતાને છોડી મુકવાની આજીજી કરતો આ આત્મા કોઈને નુકશાન નથી પહોંચાડતો.

આ આખી વાતનો એક મતલબ એવો પણ નીકળે કે ભારત જ એકમાત્ર એવો દેશ નથી, જે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવે છે, અમેરિકા પણ આ બાબતે પ્રતિસ્પર્ધી તો છે જ! ઓસ્ટ્રેલિયાની પેગન જાતિના લોકો વિશે ફરી ક્યારેક! વ્હાઈટ હાઉસની ભયાનક ભૂતાવળનાં વણદેખ્યા પડળને ખોલ્યા બાદ, હવે તેને કેટલો ખુલ્લો રહેવા દેવો એ સંપૂર્ણપણે આપની વિચારક્ષમતા પર આધારિત છે!

તથ્ય કોર્નર

  • કુલ વિસ્તાર : 18 એકર અને 55000 ચોરસફુટ
  • 132 ઓરડા-જેમાં 16 બેડરૂમ અને 35 બાથરૂમનો પણ સમાવેશ થાય છે.
  • 412 દરવાજા, 147 બારી, 28 ફાયરપ્લેસ, 8 ચડવા-ઉતરવા માટેની સીડી અને 3 લિફટ.
  • વ્હાઈટ હાઉસના રંગરોગાન માટે દર વખતે 570 ગેલન સફેદ પેઈન્ટનો ઈસ્તમાલ થાય છે.
  • અમેરિકાનાં આટલાં વર્ષોના ઈતિહાસમાં જયોર્જ વોશિંગ્ટન જ એક એવા પ્રમુખ છે, જેઓ વ્હાઈટ હાઉસમાં પગ નહોતા મૂકી શક્યા. 1799માં જયારે તેઓ મૃત્યુ પામ્યા, ત્યારે હજુ વ્હાઈટ હાઉસનું નિર્માણ કાર્ય પૂરું નહોતું થયું. એ સમયનાં ફકત બે માળનાં વ્હાઈટ હાઉસને તૈયાર થવામાં લગભગ આઠ વર્ષનો સમય લાગ્યો હતો. જેનો કુલ ખર્ચ રૂપિયા 1,55,68,924 હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.