વર્તમાન તબક્કામાં અંદાજે 2 હજાર આચાર્યોની ભરતી થશે: જો વહેલી તકે નિર્ણય લેવામાં આવે તો અનેક શાળાઓને સમયસર આચાર્ય મળી રહેશે
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ચાલી રહેલી આચાર્યની ભરતી માટેના રાઉન્ડમાં 31 ઓગસ્ટ પહેલા બીજો રાઉન્ડ યોજવા સંકલન સમિતિએ ભલામણ કરી છે. સંકલન સમિતિ પાસે આવેલી માહિતી પ્રમાણે પ્રથમ રાઉન્ડના અંતે 30 ટકા જગ્યાઓ ખાલી રહેવાની છે. આગામી દિવસોમાં 400 આચાર્ય નિવૃત્ત થવાના છે ત્યારે ખાલી જગ્યા અને નિવૃત્ત આચાર્યોની સંખ્યાને સમાવીને બીજો રાઉન્ડ યોજવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેથી ગ્રાન્ટેડ શાળાઓને આચાર્ય વગર વધુ વર્ષો રાહ જોવામાંથી મુક્તિ મળશે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળને વિવિધ જિલ્લામાંથી મળેલી સૂચનોને સંકલિત કરીને આ મુદ્દે રાજ્યના શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી આચાર્યની જગ્યા ઉપર 6 વર્ષ બાદ ગ્રાન્ટેડ શાળાના આચાર્યની ભરતી હાલમાં ચાલુ છે. વર્તમાન તબક્કામાં અંદાજે 2 હજાર આચાર્યોની ભરતી થશે. હાલમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને સંકલન સમિતિ પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર આચાર્યોની કુલ જગ્યાના 30 ટકા કરતા વધુ જગ્યાઓ પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડવાની છે.
વર્તમાન રાઉન્ડમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રાચાર્યની જગ્યા પર કામ કરી રહેલા આચાર્યોએ પણ શાળા અને ગામ બદલવા માટે અરજી કરેલી છે, એટલે એક શાળામાંથી આચાર્યનો હોદો છોડીને બીજી શાળામાં તેઓ આચાર્ય તરીકે ગયેલા છે. સંકલન સમિતિને મળેલી માહિતી અનુસાર, 150થી વધુ આચાર્યની આ પ્રકારની જગ્યાનો પણ ખાલી થયેલી છે. આમ, આ પ્રકારની ખાલી જગ્યાનો પણ સમાવેશ વર્તમાન રાઉન્ડમાં થાય તેવી રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકોની લાગણી અને માંગણી છે. આ અંગે ખુબ જ વહેલી તકે નિર્ણય લેવામાં આવે તો અનેક શાળાઓને સમયસર આચાર્ય મળી રહેશે.