Abtak Media Google News

જિંદગીની સફરમાં હારેલા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટના સરધાર નજીક લીલી સાજડીયાળી ગામમાં યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ દોડ પુરી ન કરી શકતા નિરાશ થઇ જતાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પણ યુવાને દોડની પરીક્ષામાં નાપાસ થતા આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સરધાર નજીક લીલી સાજડીયાળી ગામે રહેતાં નિકુંજ ધીરજલાલ મકવાણા (ઉં.વ.26)એ ગઇકાલે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. પરંતુ થોડા કલાકોની સારવારને અંતે દમ તોડી દેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગેની જાણ  આજીડેમ પોલીસ મથકના એએસઆઈ કે.વી. ગામેતી અને ભગીરથસિંહેને થતા જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ  મૃતક નિકુંજ ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા લુહારી કામ કરે છે. નિકુંજ પોલીસમાં ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરતો હતો અને ફોર્મ પણ ભર્યુ હતું. આ ભરતી માટેની દોડમાં નાપાસ થયો હતો. દોડ પુરી કરી શક્યો ન હોવાથી તે સતત ચિંતામાં રહેતો હતો. આ કારણોસર ગઇકાલે તેણે ઝેરી દવા પી લીધાનું બહાર આવ્યું હતું. આશાસ્પદ દીકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.