Abtak Media Google News

રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની 1900 જેટલી જગ્યા માટે શાળા ફાળવણી જાહેર કરાયા બાદ હવે 27 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે. આ માટે જે તે જિલ્લાના ઉઊઘને પત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ઈન્ટરવ્યૂ માટે સૌપ્રથમ શાળા પસંદગી સમિતિની રચના કરવાની રહેશે. ત્યારબાદ કેમ્પ પદ્ધતિથી એક જ સ્થળે ઈન્ટરવ્યૂનું આયોજન કરાશે. ઈન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ નિમણૂક હુકમો આપવાની કાર્યવાહી કરાશે.

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોની શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે. ઉપરાંત પસંદગી સમિતિ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ શાળા ફાળવણીની વિગતો ઈ-મેઈલ દ્વારા મોકલી આપવામાં આવી છે. જાહેરનામાની જોગવાઈઓ અનુસાર આચાર્ય ભરતીના આગામી તબક્કામાં ઈન્ટરવ્યૂ, ઉમેદવારની પસંદગી અને નિમણૂકની કાર્યવાહી જિલ્લા કક્ષાની શાળા પસંદગી સમિતિ દ્વારા કરવાની રહેશે. શાળા પસંદગી સમિતિની રચના માટે શિક્ષણ વિભાગના 2017ના જાહેરનામાને અનુસરવા સૂચના અપાઈ છે.

ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી ઉમેદવારોને નિમણૂક હુકમ આપી શકાય તે માટે સમિતિની રચના સમયે જે તે જિલ્લામાં કામ કરતા તમામ શિક્ષણ નિરીક્ષકોને અલગ અલગ શાળા પસંદગી સમિતિમાં સામેલ કરી મહત્તમ પસંદગી સમિતિઓની રચના કરવા માટે સૂચના અપાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સમિતિમાં કાર્યરત રહી એક સાથે શક્ય હોય તેટલા વધારે શાળા પસંદગી સમિતિના ઈન્ટરવ્યૂનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા કક્ષાના બધા ઈન્ટરવ્યૂનું કેમ્પ પદ્ધતિથી એક જ સ્થળે રાખવાનું આયોજન કરવા સૂચના અપાઈ છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા મંડળના પરામર્શમાં રહી 27 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન ઈન્ટરવ્યૂ પૂર્ણ થાય તે રીતે તારીખો નિયત કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.