Abtak Media Google News

આજે અવધમાં દશરથનંદનની પધરામણીનો રળિયામણો અવસર:  રામમંદિર-રામરાજયનાં નિર્માણમાં વેગ આવવાની ધારણા: આપણા દેશના રાજકીય ક્ષેત્રને યુગલક્ષી પરિવર્તનની ઉમદા તક: આપણા સંસદ ગૃહો રામદરબારમાં ફેરવાય તો જ ધન્ય ઘડી -ધન્ય ભાગ્ય !

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમના જીવન દરમ્યાન એક માત્ર ફિલ્મ નિહાળી હતી તે હતી ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વિજય ભટ્ટની રામરાજય.

જગવંદય મહાત્મા ગાંધીએ તેમના જીવનના અંત વખતે જે છેલ્લા શબ્દો ઉચ્ચાર્યા હતા. તે હતા : હે રામ! એમ કહેવાય છે કે, મહાત્મા ગાંધીએ એક તબકકે એમ કહી નાખ્યું હતુ કે, જો કોઈ મને મારી નહિ નાખે તો હું ૧૨૫ વર્ષ સુધી જીવીશ અને આ દેશમાં રામરાજય લાવવા છેલ્લા શ્ર્વાસ સુધી મથીશ.

પ્રાર્થના સભામાં જતી વખતે તેમની ગોળીએ વિંધીને હત્યા કરવામાં આવી તેના પ્રત્યાઘાત રૂપે કવિ શ્રી રાજેન્દ્રક્રિશ્ર્નાએ જે અંજલી કાવ્ય લખ્યું હતુ તેમાં એવા કારૂણ્ય ભીના શબ્દો હતા. કે, અપને હી હાથોંસે હમને અપના બાપુ ખોયા, પ્યારા બાપુ ખોયા.

એ કાવ્યમાં એવા શબ્દો પણ છે કે, ‘અહિંસા કે સીનેમે હિંસાને ગોળી ચલાઈ…

‘બાપુને જગસે કિયા કિનારા..’

‘શ્રી રામકે દરબારમેં જા પહોચા શ્રી રામકા પ્યારા’

શ્રી રામના દરબારને આપણે આપણા દેશને સંસદ ગૃહો કહેશું…

આવા શ્રી રામની સવારીનો આજે અવસર છે.

આ સવારીને આપણો સમાજ અને હિન્દુસ્તાનની તેમજ વિશ્ર્વભરના ગુજરાતી બંધુ-ભગિનીઓ વહાલભીનાં વધામણા કરશે અને હેતભીનાં ફૂલડે વધાવશે.

આજે અવધમાં (એટલે કે અયોધ્યામાં) દશરથનંદનની પધરામણીનો રળિયામણો અવસર મનાવાશે. એવી અપેક્ષા રખાશે કે અયોધ્યમાં રામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણને રાજકારણના ગંદવાડમાંથી બહાર કાઢવામાં આવશે અને રામરાજયનાં નિર્માણમાં વેગ લાવવામાં આવશે.

આપણા દેશનાં રાજકીય ક્ષેત્રને યુગલક્ષી પરિવર્તનની ઉમદા તક મળશે, અને આપણા સંસદગૃહો રામદરબારના ગૃહોમાં ફેરવાશે. જો અમે થશે જ તો તે આપણા દેશ માટે, એના રાજકીય ક્ષેત્ર માટે તેમજ દેશની પ્રજા માટે ધન્યભાગ્ય તેમજ ધન્ય ઘડી લેખાશે.

રીંગણાની વાડીમાં રીંગણા ચોરવા ગયેલા દલા તરવાડીએ જયારે વાડીને પૂછયું કે, રીગંણા લઉ બે ચાર, ત્યારે વાડીને બદલે દલા તરવાડીએ પોતે જ કહ્યું, કે, લેને ભાઈ દશ…બાર… એના જેવું આપણા સંસદસભ્યોએ કર્યું હતુ.

સંસદસભ્યોના પગાર અને ભાડા ભથ્થામાં વધારો કરવા માટે એક સંસદીય સમિતિની રચના કરવામાં આવેલી એ સમિતિએ સંસદસભ્યોના માસીક પગારમાં વધારો કરવાની ભલામણ કરી હતી.સરકારી નોકરો કરતાં અમે જરાય ઉતરતા નથી માટે અમારો પગાર તેમના કરતા વધારે હોવો જોઈએ, એ એમની મુખ્ય દલીલ હતી.

આપણા દેશની સંસદના સભ્યોની આવી મનોદશા એમ માનવા પ્રેરે છે કે, આપણા દેશમાં સંસદીય લોકશાહી પધ્ધતિનું જે શાસન પ્રવર્તે છે તે બેસુમાર ખાડે ગયું છે. અને આપરા રાજપુરૂષો તેમજ રાજકર્તાઓ નિરંકુશ સતા અને સ્વાર્થની હીન માનસિકતામાં ડુબાડુબ બની ચૂકયા છે.

આ બધું આપણા સંસદસભ્યોની, કેન્દ્રીય વહિવટીતંત્રની અને રાજનીતિજ્ઞોની આંટી ઘૂંટીઓની પોકળતા ખૂલ્લી કરે છે. એમની પરવશતાની પણ ચાડી ખાય છે. અને સંસદગૃહોને કુટિલ વ્યવહારોને તિલાંજલી આપીને તેમને રામદરબારમાં પરિવર્તિત કરવાની તક મળ્યાનોક સંદેશો આપે છે. જો તેઓ રામજીની સવારીને ટાંકણે તેમના હાલનાં ઢાંચામાં યુગલક્ષી બદલાવ નહિ લાવે તો અણીચૂકયા ગુનેગારો જેવી તેમની હાલત થશે.

આજના રામનવમીના પુનિત દિવસે આપણો દેશ હનુમાનજી જેવા રામભકતો બનીને રાષ્ટ્રને ફરી સુવર્ણયુગમાં પરિવર્તિત કરવાના મહાયજ્ઞમાં પ્રમાણિકપણે અને હોંશે હોંશે જોડાવાની પ્રાર્થના કરે અને હેસિયત કેળવે: એમના માટે આજના દિવસને ધન્ય ઘડી-ધન્ય ભાગ્ય બનાવવાનો અમૂલ્ય અવસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.