Abtak Media Google News

જય વિરાણી,કેશોદ: કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર રાજ્યમાં આંશિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું. જનતા થી લઈ વેપારીઓ સુધી બધા કોરોનાને હરાવવા સરકારનો સાથ આપી રહ્યા હતા. કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન રાખવામાં આવ્યું હતું. જેના કારણે ધંધો રોજગાર બંધ રહ્યો હતો. હાલ કેશોદમાં તંત્ર દ્વારા માલમિલ્કતના વેરામાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ ને શહેરી જનોમાં રોષ જોવા મળ્યો હતો.

કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા મિલ્કતધારકો પર વેરા માં 10 ટકા વધારો કરવામાં આવતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે. ત્યારે આજરોજ કેશોદ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે. કેશોદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રજુઆત કરતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી અને ન.પા. વિરોધ પક્ષના નેતા અજીતસિંહ વેગડે જોડાયા હતા.

Keshod 01કેશોદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રૂબરૂ રજુઆત કરતા નેતાઓએ જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ, શહેરીજનો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ રાહત આપવામાં આવી છે. એવાં સંજોગોમાં રાહત મળે એ જરૂરી છે. કોરોના મહામારી કાબુમાં લેવા માટે કેશોદ શહેરના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા સાંકળ તોડવા પુરતો સહકાર આપ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે કેશોદ શહેરમાં કોરોના મહામારીને નાથી શકવામાં સફળતા મળી છે.’

કેશોદ શહેરમાં આવેલી તમામ વાણિજ્ય હેતુની મિલ્કતો માં ૫૦% વેરામાં રાહત આપવામાં આવે એવી માંગ કરી હતી. કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા લેખિતમાં કરવામાં આવેલ રજુઆતનાં અંતે જણાવ્યું છે કે, ‘ત્રણ દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવીને વેરા માં ઘટાડો કરવામાં આવશે નહીં, તો શહેરીજનો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.’ સમગ્ર સૌરાષ્ટ્રમાં કેશોદ નગરપાલિકા દ્વારા સૌથી વધારે વેરાઓ વસુલવામાં આવે છે. ત્યારે કેશોદ શહેર કોંગ્રેસ મેદાનમાં ઉતરતાં શહેરીજનો સાથે રહેશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.