Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીના લાખો-કરોડો કાર્યકરોના રેડેલા પરસેવાથી દેશના દરેક નકશામાં આજે કમળ જોવા મળે છે: જે.પી.નડ્ડા

અબતક, રાજકોટ

રાજકોટ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના અધ્યક્ષ સ્થાને અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં જનપ્રિતિનિધિ સંમેલન યોજાયુ હતું. આ કાર્યક્રમમાં રાજયભરના સરપંચથી સાંસદ સભ્ય સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના ડિરેકટરઓ સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર રાજનીતી નથી કરતો પરંતુ જનતાની સેવા કરે છે. કોરોના મહામારીમાં રસી બાબતે અન્ય રાજકીય પાર્ટીઓ પ્રમાણ માંગતા, ખોટી અફવા ફેલાવતા ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના મહામારીમાં દેશને એક નહી બે બે કોરોનાની રસી આપી.

નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના લાખો-કરોડો કાર્યકરોના રેડેલા પરસેવાથી  દેશના દરેક નકશામાં આજે કમળ જોવા મળે છે. આપણે ઇન્ફાસ્ટ્રકચર, પર્યાવરણ  પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે માત્ર રાજનીતી નથી કરતા પરંતુ દેશની કાયાપલટ કરવા આવ્યા છીએ. આપણે પ્રો-એકટીવ, પ્રો રિસ્પોન્સીબલ અને ટ્રાન્સપરન્ટ રહેવાનું છે. ડિજીટલાઇજેશના માધ્યમથી કાગળના કાર્યોને ઘટાડવાના છે અને ફોર્મ અને એપ્લિકેશનને ડિજિટલાઇજેશ કરવાનું છે. આજે વૈચારીક દ્રષ્ટીએ કાર્ય કરવાવાળી એક માત્ર રાજકીય પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી ન તો ઇન્ડિયન છે ન તો નેશનલ છે કોંગ્રેસ તો ભાઇ બહેનોની પાર્ટી છે. કોંગ્રસ ભારત જોડો નહી પાર્ટી જોડો યાત્રા કરે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે ત્યારે કાર્યકરોનો ઉત્સાહ જોઇને વિશ્વાસથી આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને આપ સૌ વતી ખાતરી આપુ છું કે ગુજરાતના તમામ કમળ આપને આપીશું. વરસાદમાં બિલાડીની ટોપની જેમ નિકળતી રાજકીય પાર્ટીઓને ગુજરાતમાં કયારેય ગુજરાતની જનતાએ સ્થાન આપ્યું નથી.ગુજરાત ભાજપના કાર્યકરો કેન્દ્ર અને રાજય સરકારની વિવિઘ યોજનાઓને લોકો સુઘી પહોંચાડવામાં સફળ થયા છે તેના કારણે લોકોને ભાજપના કાર્યકરો પર વિશ્વાસ છે. ગુજરાતના લોકો માત્ર ગુજરાતનો જ નહી આખા દેશનો વિકાસ ઝંખે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ થઇ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે ગુજરાતમાં વિકાસની રાજનીતી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં શરૂ થઇ હતી અને આજે તેજ ગતીમાં આજે આગળ વઘી રહી છે. કોરોના મહામારી સમયે ઘણા દેશો આર્થિક સંકટમાં આવ્યા છે પરંતુ કોરોના પછી પહેલા પાંચ દેશોની સારી અર્થવ્યવસ્થામાં જે દેશ સામેલ છે તેમાં આપણા દેશનું નામ સામેલ કર્યુ છે. કોવિડ પછી ગુજરાત સરકારે પણ અત્યાર સુઘીનું સૌથી મોટુ બજેટ આપ્યું છે. મોટુ બજેટ આપ્યા છતા પણ દેશના નિતિ આયોગના નાંણાકીય માળખામાં આજે દેશમાં ગુજરાત નાંણાકીય સ્થિતિમાં નંબર એક પર છે.

ભારતીય જનતા પાર્ટીએ કયારેય ચૂંટણી લક્ષી કાર્ય કર્યુ નથી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યમંત્રી જીતુભાઇ વાઘાણી, અરવિંદભાઇ રૈયાણી, દેવાભાઇ માલમ, રાઘવજીભાઈ પટેલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદો મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, પુનમબેન માડમ, રમેશભાઇ ધડુક, નારણભાઇ કાછડીયા, પ્રદેશનાં મહામંત્રીઓ ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ વિનોદભાઈ ચાવડા  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.