Abtak Media Google News
મોરબીમાં 1721 લાભાર્થીઓને રૂ. 3.40 કરોડના સાધન-સહાય એનાયત કરાયા

અબતક, રાજકોટ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગરીબ ક્લ્યાણ મેળાના 12મા તબક્કાના બીજા દિવસે મોરબીમાં આયોજિત ગરીબ ક્લ્યાણ મેળામાં જણાવ્યું કે, ગરીબોને ગરીબીના અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.  મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ – સહાય પહોંચાડવા 2009-10 થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ આપણને આપ્યો છે. અત્યાર સુધીમાં 11 તબક્કાના 1530 જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી 1 કરોડ 47 લાખ લોકોને 26 હજાર કરોડ ઉપરાંતના સહાય-લાભો સરકારે આપ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મોરબીમાં યોજાયેલા આ ગરીબ ક્લ્યાણ મેળા અંતર્ગત 1721 લાભાર્થીઓને રૂ. 3.40 કરોડના લાભસહાય અર્પણ કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગરીબ ક્લ્યાણ મેળામાં અપાતી સાધન-સામગ્રી ગુણવત્તા યુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં થઈ રહેલી ઉજવણીમાં નાગરિકોને ઐતિહાસિક વારસાથી અવગત કરાવી આઝાદીના 100માં વર્ષે ભારત દેશને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાની મુખ્યમંત્રીએ અભિલાષા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લેવાઈ રહેલા પગલાંઓની માહિતી પણ મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં વણી લીધી હતી અને ઉમેર્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી  રાજ્ય સરકાર કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો આવિષ્કાર કરી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે ઓર્ગેનિક કૃષિ પેદાશોનો  વધુ ભાવ આપીને ખરીદી કરવા અંગે પણ વિચારી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સંઘ ભાવનાથી કામ કરી રહેલી રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે મેળાઓ યોજી રહી છે. જેના દૂરગામી પરિણામો હવે પછીની પેઢીને  સાપડશે અને ગુજરાત વિકાસના પથ પર અગ્રેસર બનશે તેવો આશાવાદ મંત્રી મેરજાએ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે  પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સત્તા નહીં, પરંતુ સેવાને વરેલી રાજ્ય સરકારના પ્રયાસોથી છેવાડાના માનવીઓ સુધી રાજ્ય સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચડી શકાયા છે તે માટે ગરીબ કલ્યાણ મેળા અગત્યનું માધ્યમ પુરવાર થયા છે.કલેકટર જે.બી.પટેલે સ્વાગત પ્રવચનમાં આજના ગરીબ કલ્યાણ મેળાની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય  આમંત્રિતોનું કઠોળની ટોપલી તથા  પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. દીપ પ્રાગટ્યથી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ પ્રાર્થનાગીત રજૂ કરાયું હતું.

આજના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીશ્રીના હાથે સહાય મેળવનાર વિવિધ યોજનાના લાભાર્થીઓએ મુખ્ય સ્ટેજ પરથી તેમની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી. કાર્યક્રમના પ્રારંભે વિવિધ સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પંચાયત વિભાગ અને મોરબીની વિકાસ ગાથા રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.