Abtak Media Google News

રાહુલ ગાંધીની ૯મીની યાત્રા પૂર્વે ૭૩ સંમેલનો યોજીને કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવવાનો પ્રયાસ

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કરનારા કોંગ્રેસના ૧૪ પૂર્વ ધારાસભ્યોને ટાર્ગેટ બનાવીને તેમના મત વિસ્તારોમાં ૭૩ જન આશીર્વાદ સંમેલન યોજવાનો એક્શન પ્લાન કોંગ્રેસે ઘડી કાઢ્યો છે. ગુરુવારે રાજકોટ સહિત કેટલાક વિસ્તાર અને શુક્રવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચાના પ્રણેતા બનેલાં શંકરસિંહ વાઘેલાના મત વિસ્તાર કપડવંજમાં શુક્રવારે જનઆશીર્વાદ સંમેલન યોજવામાં આવશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ૯ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી મધ્ય ગુજરાતની યાત્રા-રોડ શો પૂર્વે આ તમામ સંમેલનો પૂર્ણ કરીને કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવવાનો પ્રયાસ કોંગ્રેસે આદર્યો છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે ઠાસરા, માણસા, કરજણ, ગોધરા અને પાદરા ખાતે સંમેલન યોજીને પ્રજા સાથે દ્રોહ કરનારા આ ધારાસભ્યોને તેમનું અસલી સ્થાન બતાવી દેવા માટે પ્રજાને આહ્વાન કરવામાં આવ્યું હતું. ગુરુવારે નાંદોદ, રાજકોટ, દેવગઢ બારિયા, કેશોદ, ઈડર, લીમખેડા, ભીલોડા, સંખેડા, માંગરોળ, બોટાદ ખાતે પ્રદેશના જુદા જુદા નેતાઓ જનઆશીર્વાદ સંમેલનમાં હાજરી આપશે એમ, પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે, ૮ ઓક્ટોબર સુધીમાં રાજ્યભરની જુદી જુદી બેઠકોને આવરી લેતા ૭૩ સંમેલનો યોજવામાં આવશે.

કોંગ્રેસે પાટીદારોને રિઝવવા માટે પાટીદાર બહુલ સુરતના કામરેજ, વરાછા સહિતના વિસ્તારોમાં પૂર્વ પ્રધાન ડો. તુષાર ચૌધરી ઉપરાંત અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે તો વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચાના પ્રણેતા બનેલાં શંકરસિંહ વાઘેલાના કપડવંજની જવાબદારી પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. ઠાકોર શુક્રવારે કપડવંજમાં સંમેલન યોજીને શંકરસિંહ સામે વિરોધનો બુંગિયો ફૂંકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.