Abtak Media Google News

બંને બેઠકો માટે અલગ-અલગ બેલેટ પર મતદાન યોજવાનું હોય ભાજપની જીત નિશ્ર્ચિત જ હોય કોંગ્રેસે માત્ર હારવા માટે ચૂંટણીમાં નહીં ઝૂકાવવાનો લીધો નિર્ણય

અહેમદભાઈ પટેલ અને અભયભાઈ ભારદ્વાજના અકાળે અવસાનથી ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી 1લી માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. જેમાં બન્ને બેઠકો માટે અલગ અલગ બેલેટ પર મતદાન થવાનું હોય ભાજપની જીત નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે. આવામાં રાજ્યસભાની બે બેઠકો પર કોંગ્રેસે તેના ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે.

ગત 11મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 18મી ફેબ્રુ્રઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે. રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ અલગ બેલેટ પર મતદાન થવાનું છે. જેના કારણે બન્ને બેઠકો ભાજપના ફાળે જાય તે નિશ્ર્ચિત બની ગયું છે. દરમિયાન માત્રને માત્ર ઉમેદવારને હારવા માટે મેદાનમાં નહીં ઉતરવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ રાજ્યસભા માટે 1 થી 2 દિવસમાં પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી દે તેવી સંભાવના જણાય રહી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલ અને ભાજપના સીનીયર નેતા અભયભાઈ ભારદ્વાજના અકાળે અવસાનના કારણે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો પૈકી 2 બેઠકો ખાલી પડી છે. જેના માટે આગામી 1લી માર્ચના રોજ મતદાન યોજાનાર છે. જો બન્ને બેઠકો માટે એક સાથે મતદાન યોજાશે તો વિધાનસભામાં સભ્ય સંખ્યા બળના આધારે ભાજપને એક અને કોંગ્રેસને એક બેઠક પ્રાપ્ત થાત પરંતુ ચૂંટણીપંચ દ્વારા બન્ને બેઠકો માટે અલગ અલગ બેલેટ પેપર પર મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય આવામાં ભાજપની જીત નિશ્ર્ચિત થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે  કે, હાલ રાજ્ય સભાની 11 પૈકી જે 9 બેઠકો પર ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે તેમાં કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, પુરૂષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, નરહરી અમીન, રસીલાબેન બારા, જુગલજી ઠાકોર, નારાયણ ઠાકોર ઉપરાંત કોંગ્રેસમાંથી નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞીક અને શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ છે. લાંબા સમય બાદ હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં 8 સાંસદો ભાજપના હશે જ્યારે કોંગ્રેસે માત્ર 3 સાંસદોથી જ આત્મસંતોષ માની લેવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.