Abtak Media Google News

મહિલા આયોગમાં પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે : ગાયત્રીબા વાઘેલા

રાજકોટ મહાપાલિકામાં ગત ૧૮મીએ દ્વિમાસિક જનરલ બોર્ડ બેઠકમાં મહાનગરપાલિકાના બંધારણીય રીતે ચૂંટાયેલા અને બંધારણીયરીતે નક્કી કરવામાં આવેલ પોતાના સ્થાન ઉપરથી સભાગૃહમાં લોકશાહી પદ્ધતિએ શહેરના લોકોની રોડ રસ્તા વીજળી, પાણી ગટર વ્યવસ્થા, ટ્રાફિક સમસ્યા વગેરે મુદ્દાઓ ઉપર શાસક પક્ષ અને અધિકારીઓ સાથે ચર્ચાઓ અને સમસ્યાઓ બાબતે પ્રજાને પડતી મુશ્કેલી અને તેના ઉકેલ માટે ચર્ચા વિચારણા કરવાની હોય છે પરંતુ, લોકશાહીના બધાજ નિયમો નેવે મૂકી ભાજપના શાસકો દ્વારા ક્યાંક બહુમતી ના જોરે તો ક્યાંક સત્તાના જોરે અને હવે તો પોલીસને સભાગૃહમાં પરવાનો આપી પોલીસ મારફત દમન અને ગુંડાગીરી કરાવી રાજકોટની જનતાનો અવાજ રૂંધવાનો પ્રયત્નો થઇ રહ્યા છે. જનરલ બોર્ડમાં આની પ્રતીતિ પણ જોવા મળી હતી અને સમગ્ર ગુજરાતની જનતાએ મીડીયાના માધ્યમથી ભાજપ અને પોલીસની મીલીભગત દ્વારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો ઉપર પ્રજાના પ્રશ્ને રજૂઆત કરતા રોકી ઝપાઝપી કરી જે દમન ગુજારવામાં આવ્યું તે સૌ એ જોયું છે ત્યારે સક્ષમ વિપક્ષ તરીકે રાજકોટની પ્રજાના પ્રશ્નો રજુ કરતા અમને કોઈ રોકી શકશે નહી અને પોલીસ દ્વારા જે બળ પ્રયોગ કરવામાં આવ્યો તેની સામે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પોલીસને કાયદાકીય રીતે નિયમાનુસાર રજૂઆત કરી ફરિયાદ દાખલ કરવા અને જવાબદારો સામે પગલા લેવા જણાવવામાં આવેલ છે.

કોંગ્રેસ દ્વારા તા.૧૯/૧૨/૨૦૧૯ના રોજ   પોલીસ અધિકારી અને પોલીસના એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર ઘટનાના આધારે ૨- દિવસમાં ન્યાયિક તપાસની અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની લેખિત ખાતરી આપવામાં આવી છે જો પોલીસ ખાતા દ્વારા કોઈને છાવરવામાં આવશે અને ભાજપના ઈશારે કામ કરવામાં આવશે તો રાજકોટ મનપાના કોંગ્રેસના બધાજ મહિલા કોર્પોરેટરો ઉપર કરવામાં આવેલ પોલીસ દમનના વિરુદ્ધમાં રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, અને મહિલા આયોગનો  સમય મેળવી રજૂઆત કરશે. અને તેમાં પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ દ્વારા કોના આદેશ થી પોલીસને સભાગૃહમાં મોકલવામાં આવી કોના આદેશથી પોલીસે બંધારણીય રીતે ચુંટાયેલા અને બંધારણીય રીતે પોતાની ફરજ બજાવતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને ફરજ બજાવવા માંથી રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા ? અને તેમની ઉપર દમન ગુજારવામાં આવ્યું  તે બધાજ મુદાઓ સાથે પોલીસ કમિશ્નરથી લઇ જનરલ બોર્ડ દરમ્યાન સભાગૃહમાં પ્રવેશેલ પોલીસના તમામ માણસો અને ફરજ પરના જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ ગાંધીનગરમાં ઘા નાખશે  તેવું કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, રસીલાબેન ગરૈયા, પારૂલબેન ડેર, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, માંસુબેન હેરભા, ભાનુબેન સોરાણી, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, વસંતબેન માલવી, ઉર્વશીબા જાડેજા, ધર્મીસ્ઠાબા જાડેજા, સ્નેહાબેન દવે, મેનાબેન જાદવ, ગીતાબેન પુરબીયાની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.