Abtak Media Google News

ગ્રાન્ટ ફાળવણી રદ કરતા કોંગ્રેસ આગ બબૂલા

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ કોંગ્રેસ દ્વારા આજે ધરણાં યોજાયા હતાં અને બહુમતિના જોરે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ વિપક્ષના ૧૬ સભ્યોને ૧૦ લાખ પ્રમાણે ૧ કરોડ ૬૦ લાઈની ગ્રાન્ટ ફાળવી હતી. જેને સત્તાધારી પક્ષે સત્તાના જોરે રદ્દ કરી હતી. આથી વિપક્ષી સદસ્યોએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ ધરણાં, દેખાવો કર્યા હતાં, પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Advertisement

જામનગર મહાનગરપાલિકાના સભ્યોને ફાળવવાની થતી ગ્રાન્ટ ફાળવાતી નથી. આથી વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો માટે એક માત્ર આધાર ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાની ગ્રાન્ટ ઉપર રહ્યો છે.

આથી વિપક્ષના ૧૬ કોર્પોરેટરોને તેમના મત વિસ્તારમાં વિકાસ કામ માટે ધારાસભ્યની દસ ટકાના હિસાબે ૧ કરોડ ૬૦ લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, પરંતુ ધારાસભ્યએ પોતાની મત બેંક બહારના વિસ્તાર માટે ગ્રાન્ટ ફાળવી હતી જેને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ધરણાં, વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને સૂત્રોચાર કરી ભાજપની ભેદભાવભરી નીતિનો વિરોધ કર્યો હતો.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, આ પહેલા પણ ધારાસભ્યોએ પોતાના મત બેંક સિવાયના વિસ્તારો માટે ગ્રાન્ટ ફાળવી હતી તો તેને શા માટે મંજૂર કરવામાં આવી હતી.

આમ કોંગ્રેસ પ્રત્યે ભાજપના શાસકો ભેદભાવ રાખી રહ્યાં છે. જે આ તઘલખી નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ એકપત્ર સ્ટેન્ડીંગ ચેરમેનને પાઠવીને ચિમક આપી છે.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથીયા, મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, વિપક્ષના કોર્પોરેટરો આનંદ ગોહિલ, શિતલબેન વાઘેલા, નિતાબેન પરમાર, દેવશી આહિર, યુસુફ ખફી, જેનમબેન ખફી, ઉપરાંત કોંગ્રેસના આગેવાનો સહારાબેન મકવાણા, દિગુભા જાડેજા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, ક્રિપાલસિંહ વાળા, જેતુનબેન રાઠોડ વિગેરે જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.