Abtak Media Google News

હોકર્સ ઝોનમાં સ્વચ્છતા નહી જળવાય તો નિયમ ભંગ કરનાર સામે દંડાત્મક પગલા લેવાશે

અબતક, રાજકોટ  ન્યૂઝ :  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના વિવિધ સ્થળે કાર્યરત હોકર્સ ઝોનમાં સ્વચ્છતા જાળવવા માટે હોકર્સ ઝોન દીઠ સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવેલ. જેમાં હોકર્સ ઝોનમાંથી 5 સભ્યની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા સમિતિઓના સભ્યોની એક બેઠક આજે તા.22-03-2024ના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારૈયા, ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર અને પ્રજેશ સોલંકી તેમજ સ્વચ્છતા સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે સ્વચ્છતા સમિતિઓના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું કેન્દ્ર છે, આપણા રાજકોટ શહેર માટે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સૌએ સાથે મળીને જવાબદારી નિભાવવાની રહે છે. જેમાં સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા અને સ્વચ્છતાની બાબતને આપણી રોજબરોજની જિંદગીમાં સામેલ કરવા માટે તમામ નાગરિકોએ સામાજિક જવાબદારી વહન કરવાની થાય છે. તમામ લોકો પોતાના ઘર અને વ્યવસાયના સ્થળની આજુબાજુના વિસ્તારની સ્વચ્છતા અને સફાઈની કાળજી રાખે તો આપણું શહેર આપોઆપ સ્વચ્છ અને સુંદર બનશે. બહારગામથી દરરોજ હજારો લોકો રાજકોટમાં આવા-જા કરે છે. તેઓ પણ આપણા રાજકોટની સુંદર શહેર તરીકેની ઓળખ લઈને જાય તેવા આપણા પ્રયાસો છે. જેમાં તમામ નાગરિકોનો સહયોગ અપેક્ષિત છે.

એમ કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ છે. મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે પાવન ભૂમિ પર આજે આપણે એકત્ર થયા છીએ ત્યારે આપણે સૌ સ્વચ્છતા જાળવવા સંકલ્પ કરીએ. હોકર્સ ઝોનમાં જરૂરી તમામ સુવિધાઓ રાજકોટ મહાનગરપાલિકા પુરી પાડશે. સ્વચ્છતા સમિતિએ હોકર્સ ઝોનની સ્વચ્છતા જાળવવાની જવાબદારી નિભાવવાની રહેશે. જો હોકર્સ ઝોનમાં સ્વચ્છતા નહી જળવાઈ કે નિયમ ભંગ થયે તો કડક પગલા પણ લેવામાં આવશે. આગામી સમયમાં શ્રેષ્ઠ હોકર્સ ઝોનની સ્પર્ધા પણ યોજવામાં આવશે અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ખુશીની વાત છે કે પુષ્કરધામ હોકર્સ ઝોન રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમનો સ્વચ્છતા હોકર્સ ઝોન છે. આવી રીતે તમામ સ્વચ્છતા સમિતિ પોતાનો હોકર્સ ઝોન સૌથી શ્રેષ્ઠ બની રહે તે માટે પ્રયાસ કરે તેવી અપેક્ષા છે તેમ પણ મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.