Abtak Media Google News

ખેતજમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખેતીની જમીન મળવાપાત્ર ન હોવા છતાં પુત્રીઓને ફાળવી દેવાઈ: જિલ્લા કલેકટરનાં આદેશથી કેસને રીવીઝનમાં લેતા પ્રાંત અધિકારી

રાજકોટ તાલુકાના બામણબોર અને જીવાપર ગામે ૪૦૦ એકર જમીન ખાનગી ઠેરવી દેવાના ચોટીલાના તત્કાલીન મામલતદારે આપેલા એક વર્ષ પૂર્વેના હુકમે હાલ વિવાદ સર્જયો છે. આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા કલેકટરના આદેશને પગલે પ્રાંત અધિકારીએ કેસને રીવીઝનમાં લેતા ચકચાર મચી જવા પામી છે. ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખેતીની જમીન મળવાપાત્ર ન હોવા છતાં પુત્રીઓને ફાળવી દઈને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ નિર્માણ પામનાર હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટથી અતિ નજીક આવેલી અબજોની કિંમતની ૪૦૦ એકર સરકારી જમીન ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ મળવાપાત્ર ન હોવા છતાં પુત્રીને આપી દઈને કૌભાંડ રચવામાં આવ્યું છે. આ ચકચારી કૌભાંડની મળતી વિગત મુજબ જીવાપર ગામની સર્વે નં.૮૪ પૈકી જમીન એકર ૫૫-૧૪ ગુઠા, સર્વે નં.૪૭ પૈકી એકર ૧૭૧-૧૧ ગુઠા અને બામણબોર ગામની સર્વે નં.૫૯ની એકર ૧૯૦-૧૩ ગુઠા, સર્વે નં.૯૮ પૈકી ૩૩ એકર અને ૩૪ ગુઠા મળી કુલ ૪૦૦ એકર અને ૩૨ ગુઠાની જમીનનો કેસ નાયબ કલેકટર જશવંત જેગોડાએ રીવીઝનમાં લીધો છે. આ સંદર્ભે આગામી ૩૧મીએ સુનાવણી પણ રાખવામાં આવી છે. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા ૧૯૬૦ હેઠળ જીવાપર અને બામણબોર ગામની ૪૦૦ એકર જમીન ખાનગી ઠેરવવાના કેસમાં રાજકોટ તાલુકા મામલતદારે રામભાઈ નાનભાઈ ખાચર, રાજેશભાઈ રામકુભાઈ ખાચર, સરોજબેન રામકુભાઈ ખાચર તેમજ સ્વ.નાનભાઈના વારસદાર ઈન્દ્રાબેનને નોટિસ પાઠવી તા.૩૧ના રોજ સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવ્યું છે જો તેઓ નોટિસ આપવા છતાં ગેરહાજર રહેશે તો એક તરફી નિર્ણય લેવામાં આવશે તેવું પણ સ્પષ્ટપણે જણાવાયું છે.

આ સમગ્ર પ્રકરણ ચોટીલા તાલુકાનું છે પરંતુ હિરાસર એરપોર્ટ પ્રોજેકટના કારણે ચોટીલા તાલુકાના પાંચ ગામોનો રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં જીવાપર અને બામણબોરનો રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ૨૯ વર્ષ બાદ ચોટીલાના તત્કાલિન મામલતદારે સમગ્ર કેસ હાથમાં લઈ ચુકાદો આપ્યો હતો. હકિકતમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે હોવા છતાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો.

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમ-૬ (૩)(બી) અને ૬ (૩)(સી) હેઠળ બહેનો કે દિકરીઓને જમીન મળવાપાત્ર ન હોવા છતાં તેમને ગેરકાયદે જમીન આપવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે. તા.૩૦/૧૧/૧૯૮૮ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ જમીન સરકારના નામે થઈ ગઈ હોવા છતાં ૨૯ વર્ષ બાદ આ કેસ ફરી ઉખેડવામાં આવ્યો હતો. તાજેતરમાં જ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ વાવડીની સરકારી જમીન ખાનગી કરી દેવાના કેસને રીવીઝનમાં લીધો છે ત્યાં થોડાક દિવસ બાદ ફરી બામણબોર અને જીવાપરની જમીનનો કેસ રીવીઝનમાં લેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જમીનનો કબજો હકિકતમાં કોનો છે તે જાણવા સ્થળ તપાસ કરાશે

જિલ્લા વહિવટીતંત્રના આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બામણબોર અને જીવાપર ગામના જમીન કૌભાંડમાં જે આસામીઓને નોટીસ બજાવવામાં આવી છે તે માત્ર મહોરા છે. હકિકતમાં પડદા પાછળના કલાકાર મોટા માથા હોવાનું જાણવા મળ્યું છે. આ જમીન કાચા લખાણના આધારે કે અન્ય કોઈ રીતે મોટા

માથાઓને આપી દેવામાં આવી હોવાની શંકાના આધારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ સ્થળની રૂબરૂ તપાસ કરવામાં આવનાર છે. સ્થળ તપાસમાં અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે કે ખરેખર આ જમીન પર કબજો આસામીઓનો છે કે અન્ય કોઈ પડદા પાછળના કલાકારો કબજો ભોગવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.