Abtak Media Google News

પરિપત્ર બહાર પાડી શિક્ષકોની ક્રૂર મજાક કરાઈ: કિરીટ પટેલ

આવુ કામ શિક્ષકોને સોંપવા પરિપત્ર બહાર પાડનાર અધિકારી વિરુધ્ધ કડક પગલા ભરવા પાટણના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

હાલ ગુજરાતમાં તીડનો ત્રાસ અસહ્ય બન્યો છે ત્યારે આ તીડને ભગાડવા ખેડૂતોમાંથી પણ બુમરાડ પડી રહી છે. તીડના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા તાજેતરમાં થરાદ તાલુકાના ટીડીઓએ શિક્ષકોને તીડ ઉડાડવાનું કામ સોંપતો પરિપત્ર બહાર પાડતા વિવાદ સર્જાયો છે. આ પ્રકારનો પરિપત્ર શિક્ષકોની ક્રુર મજાક સમાન છે તેમ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ જણાવી આવો પરિપત્ર બહાર પાડનાર અધિકારી વિરુધ્ધ કડક પગલા ભરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ડો.કિરીટ પટેલે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ભાજપના શાસનમાં શિક્ષકોનું મહત્વ એટલું બધુ ઘટી ગયું છે કે કોઈપણ અધિકારીને ગમે ત્યારે ગમે તે વિચાર આવે અને શિક્ષક સમાજનું અપમાન થાય અને તેમના નૈતિક મનોબળમાં ઘટાડો થાય તેવા નિર્ણયો લેવામાં આવે છે. આજે શિક્ષકને શિક્ષણ કરતાં અન્ય પ્રવૃતિઓમાં વધારે જોડવામાં આવે છે. જેના લીધે પ્રાથમિક શિક્ષણનું સ્તર ખુબ નીચું આવ્યું છે. જેના માટે સરકારે ચિંતા કરવાની જરુર છે.

7537D2F3 22

બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ટીડીઓએ શિક્ષકોને તીડ ઉડાડવાનું કામ સોંપતો પરિપત્ર કરી સમગ્ર શિક્ષણ જગતનું અપમાન કરેલ છે. આવા પરિપત્રોથી સમાજમાં શિક્ષકો પ્રત્યે અપમાનની લાગણી પેદા થાય છે. જેના લીધે સીધી અસર શિક્ષણ ઉપર પડે છે. મને એ સમજાતું નથી કે, આપણે મોડેલ ગુજરાત અને વિકસીત ગુજરાતની વાત કરતા હોય ત્યારે સને ૧૯૯૨માં ગુજરાતમાં તીડનું આક્રમણ થયું ત્યારે કોંગ્રેસ સરકારે હેલીકોપ્ટરથી દવાનો છંટકાવ કરી તીડનો નાશ કરેલ હતો. અત્યારે નેતાઓ કે શિક્ષકો દ્વારા થાળીઓ વગાડવાના નાટકો બંધ કરી તાત્કાલીક આ બાબતે યોગ્ય નિર્ણય લેવાય. તેમજ ઉપરોકત બાબત ખુબજ ગંભીર હોઈ આવા પરિપત્ર કરનાર અધિકારી વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરી ભવિષ્યમાં શિક્ષકોનું માન સન્માન સચવાય અને શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેવી લાંબા ગાળાની યોજના બનાવવા અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.