• પક્ષના 75 સિનિયર નેતાઓને સોંપાય જવાબદારી: 10મી ફેબ્રુઆરી સુધીમાં સંમેલન યોજવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની તાકીદ

લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે અઢી માસનો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા દશ વર્ષથી લોકસભાની એકપણ બેઠક ન જીતી શકનાર કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણી આરંભી દીધી છે. પક્ષને બુથ લેવલથી મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 10મી ફેબ્રુઆરી સુધીમાં 243 તાલુકામાં સંમેલન યોજવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસના મીડિયા ક્ધવીનર મનીષભાઇ દોશીના જણાવ્યાનુસાર લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા જોરદાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સ્થાનિક લેવલથી સંગઠન માળખાને મજબૂત કરવા સાથે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સ્થાનિક પ્રશ્ર્નોને ઉજાગર કરવા માટે કોંગ્રેસ દ્વારા તમામ તાલુકાઓમાં સંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પક્ષના 75 જેટલા સિનિયર નેતાઓને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનીક લોકોને થતા અન્યાય વિરૂધ્ધ તાલુકા મથક સુધી જન અધિકાર યાત્રા યોજવામાં આવશે. 10મી ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

તમામ 243 તાલુકાઓમાં સ્થાનીક લોકોને સાથે રાખી ભાજપ સરકારના અન્યાય અને અણધડ વહિવટ અંગે લોકો સુધી સાચી હકિકત પહોંચાડવામાં આવશે.

લોકસભાની ચૂંટણી પૂર્વ તમામ તાલુકામાં લોકોના પાયાના પ્રશ્ર્નો જાણવા માટે કોંગ્રેસના 75 સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ મહામંત્રી હર્ષદ પટેલને કરાયા સસ્પેન્ડ

મહેસાણા જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા પદેથી હર્ષદ પટેલને તાત્કાલિક અસરથી દુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી વિજય પટેલને ગેરશિસ્ત બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ  પટેલએ જણાવ્યું હતું કે મહેસાણા જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હર્ષદ પટેલને તાત્કાલિક અસરથી દુર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી વિજય પટેલને ગેરશિસ્ત બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.