Abtak Media Google News
  • ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત: ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજા મેન ઓફ ધી મેચ જાહેર

Sports News

રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમે સોલાપુરના ઇન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી ચાર દિવસીય રણજી ટ્રોફી લીગ મેચમાં ત્રીજા દિવસે જ યજમાન મહારાષ્ટ્રની ટીમને 48 રને પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાને જીવંત રાખી છે. મેચમાં ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજાના 72 રન અને પ્રેરક માંકડના 56 રનની મદદથી પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા. જેની સામે મહારાષ્ટ્રની ટીમ પ્રથમ દાવમાં 164 રનમાં ઓલ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રને પ્રથમ દાવમાં 38 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. સૌરાષ્ટ્રની ટીમે બીજા દાવમાં સુકાની જયદેવ ઉનડકટના 45 રન અને ઓલ રાઉન્ડર ચિરાગ જાનીના 43 રનની મદદથી બીજા દાવમાં 169 રન બનાવ્યા હતા અને મહારાષ્ટ્રને મેચ જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

દિલધડક મેચમાં સૌરાષ્ટ્રની ટીમે મહારાષ્ટ્રને 48 રને પરાજય આપ્યો હતો. મેચમાં ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમ કુલ પાંચ મેચ રમી છે. જેમાં બે મેચમાં સૌરાષ્ટ્રની જીત થઇ છે. જ્યારે બે મેચ ડ્રોમાં પરિણમી છે અને એક મેચમાં સૌરાષ્ટ્રનો પરાજય થયો છે. હાલ ગ્રુપ-એમાં સૌરાષ્ટ્ર ચોથા ક્રમે છે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે બીજા ક્રમે રહેવું જરૂરી છે. આગામી 9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે જયપુરમાં રણજી ટ્રોફીનો મેચ રમાશે.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલીવાર ત્રિપુરાએ ગુજરાતને હરાવ્યું

રણજી ટ્રોફીમાં મોટો અપસેટ સર્જાયો હતો. ત્રિપુરાએ ગુજરાત સામે મોટી જીત હાંસલ કરી છે. અમદાવાદમાં ગ્રુપ-સીની મેચમાં તેણે ગુજરાતને 156 રનથી હરાવ્યું હતું. પુરુષ ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં ગુજરાત સામે આ તેમની પ્રથમ જીત છે. ત્રિપુરાએ સાતમી મેચમાં આ સફળતા મેળવી હતી. ત્રિપુરાએ પ્રથમ ઇનિંગમાં 146 રન બનાવ્યા હતા, જ્યારે ગુજરાતે 172 રન બનાવ્યા હતા. આ રીતે ત્રિપુરાને પ્રથમ ઇનિંગમાં 26 રનની લીડ મળી હતી. એ પછી તેણે બીજી ઇનિંગમાં 343 રન બનાવ્યા. એ પછી ગુજરાતને 318 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ગુજરાતની ટીમ 161 રન બનાવીને પેવિલિયનભેગી થઈ ગઈ હતી અને ત્રિપુરા સામે પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રિપુરાની કપ્તાની ભૂતપૂર્વ ભારતીય વિકેટ કીપર-બેટ્સમેન રિદ્ધિમાન સહાના હાથમાં છે. બીજી તરફ સર્વિસિસે રોમાંચક મેચમાં હરિયાણાને એક રનથી હરાવ્યું હતું. રણજી ટ્રોફીના ઇતિહાસમાં 49 વર્ષ બાદ કોઈ ટીમ એક રનથી

જીતી છે. અગાઉ 1975માં આંધ્ર પ્રદેશે તામિલનાડુને એક રનના અંતરથી હરાવ્યું હતું. ડાબા હાથના સ્પિનર પાર્થ ભૂતની 7 વિકેટની મદદથી સૌરાષ્ટ્રએ રવિવારે અહીં રણજી ટ્રોફી ગ્રુપ-એની મેચમાં મહારાષ્ટ્ર સામે 48 રને જીત મેળવી હતી. સૌરાષ્ટ્રએ આપેલા 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં મહારાષ્ટ્રને 164 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. ઑફ સ્પિનર યુવરાજસિંહ ડોડિયાએ બે વિકેટ લઈને પાર્થ ભૂતને સારો સાથ આપ્યો હતો, જ્યારે ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.