Abtak Media Google News

કોરોનાના રેકોર્ડબ્રેક 509 કેસ નોંધાયા: છેલ્લા આઠ દિવસથી જિલ્લામાં દરરોજ નોંધાઈ રહ્યો છે નવો રેકોર્ડ

જામનગર જિલ્લામાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં એક તરફ નવા દર્દીઓને જગ્યા નથી મળી રહી તો બીજી તરફ સારવાર લઈ રહેલા દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં આજે કોવિડની સારવાર દરમિયાન 100થી વધુ દર્દીઓના મોત થયા છે. તો આજે નવા કેસ પણ રેકોર્ડબ્રેક નોંધાયા છે. જિલ્લામાં આજે નવા કેસનો આંક 500ને વટાવી ચૂક્યો છે.જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 509 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. જામનગર જિલ્લામાં આજે 509 કેસ નોંધાયા છે તેમાં 307 કેસ શહેરી વિસ્તારમાં અને 202 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 261 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 100 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 98 હજાર 046 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 33 હજાર 891 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.

કોરોનાની સારવાર મળે તે પૂર્વે જ રિક્ષા-એમ્બ્યુલનસમાં બે દર્દીઓના મોત

Screenshot 20210421 181815 Facebook

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે જી.જી.હોસ્પિટલ પણ હાઉસ ફૂલ થઇ રહી છે. જી.જી.હોસ્પિટલમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં દર્દીઓ આવી ચૂકયા છે. કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલ ન્સોને લાંબી કતારો લાગી છે. ત્યારે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતાં દર્દીઓ હોસ્પિટલની બહાર જ મોત ને ભેટી રહ્યા છે. શેખપાટથી આવેલાં 60 વર્ષના વૃધ્ધા ને સારવાર ન મળતાં હોસ્પિટલની બહાર રિક્ષામાં જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 108માં ધ્રોલ ગામના 78 વર્ષિય વૃધ્ધાનું પણ હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે મૃત્યુ થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલ ફૂલ થઇ ચૂકી છે. જેને કારણે હોસ્પિટલની બહાર કોરોના દર્દીઓનું લાબું વેઇટીંગ છે.

હોસ્પિટલની બહાર સારવાર માટે દાખલ થવાની રાહ જોઇ રહેલાં દર્દીઓ વાહનોમાં જ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યાના બનાવો પણ સામે આવવા લાગ્યા છે.  જામનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 2000 સુધી પહોંચી ચૂકી છે. હોસ્પિટલમાં કોઇને હવે સમાવી શકાય તેમ નથી. ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના દર્દીઓ સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલની સારવાર માટે આવી રહ્યા છે. પરંતુ જગ્યાના અભાવે કેટલાંક દર્દીઓની એમ્બ્યુલન્સોમાં તેમજ ખાનગી વાહનોમાં સારવાર કરાઇ રહી છે તેમ છતાં હોસ્પિટલ પહોંચે એ દરમ્યાન જ હોસ્પિટલ ની બહાર જ વાહનોમાં દર્દીઓ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યા છે. લાબાં સમય સુધી સારવાર માટે દાખલ થવાની રાહ જોતાં દર્દીઓનું એમ્બ્યુલન્સમાં મૃત્યુ થઇ રહ્યું છે. શેખપાટના 60 વર્ષિય વૃધ્ધાને સારવાર માટે રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. પરંતુ રિક્ષામાં જ તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. જયારે અન્ય એક બનાવમાં ધ્રોલના 78 વર્ષિય વૃધ્ધાને 108 એમ્બ્યુલન્સમાં કોરોના સારવાર માટે જી.જી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પરંતુ એક તરફ લાબું વેઇટીંગ હોય એમ્બ્યુલન્સ તેમનું મૃત્યું થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.