ન્યુ રાજકોટમાં કોરોનાના કેસ વધ્યા: બસ પોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશને ફરી ટેસ્ટીંગ શરૂ

હોટસ્પોટ વિસ્તારોમાં ચેકિંગ અને ટેસ્ટીંગ વધારાશે: ૧૮ વોર્ડ પ્રભારીઓને ફરી મેદાનમાં ઉતારાયા

જાન્યુઆરી માસમાં સદંતર શાંત પડી ગયેલા કોરોનાએ ફરી ચૂંટણીમાં ઉપાડો લેવાનું શરૂ કર્યું છે. મહાપાલિકાની ચૂંટણીમાં આડેધડ લોકસંપર્ક, કાર્યાલયો પર મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડાના કારણે કોરોનાની ગાઈડ લાઈનના લીરા ઉડ્યા હતા. જેના કારણે રાજ્યભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરના વેસ્ટઝોન વિસ્તાર અર્થાત ન્યુ રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે બસ પોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ફરી કોરોના ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને શહેરના હોટસ્પોટ વિસ્તારોમાં ચેકિંગ અને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. ૧૮ વોર્ડના પ્રભારીને ફરી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.

જાન્યુઆરી માસથી શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હતું. પરંતુ મહાપાલિકાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ કોરોનાને કાબુમાં રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડ લાઈનના રીતસર લીરા ઉડ્યા હતા. રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલય ખાતે સેંકડો લોકો એક સાથે ઉમટી પડ્યા હતા. લોકસંપર્ક અભિયાન, ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં પણ કાર્યકરો માસ્ક પહેર્યા વિના નજરે પડતા હતા. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા અને સંક્રમિત થયા હતા. ચૂંટણીના કારણે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા મહાપાલિકા દ્વારા આગોતરૂ પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે વોર્ડ પ્રભારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, બહારગામથી રાજકોટ આવતા લોકો માટે બસ પોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવશે. ન્યુ રાજકોટમાં લોકો વધુ જાગૃત હોવાના કારણે ટેસ્ટીંગ વધારે કરાવી રહ્યાં છે જેને કારણે વેસ્ટ ઝોનમાં કોરોનાના કેસ વધુ નોંધાઈ રહ્યાં છે જેને કાબુમાં લેવા ૧૮ વોર્ડના પ્રભારીને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે અને ૧૮૦૦ કોરોના કોર્ડીનેટરને પણ ફરી સક્રિય થવા તાકીદ કરી દેવામાં આવી છે. હોટસ્પોર્ટ વિસ્તારમાં હવે ચેકિંગ સાથે ટેસ્ટીંગ વધારવામાં આવશે. ટૂંકમાં કોરોનાની ત્રીજી લહેરના આરંભને જ ખાળવા સતર્ક બની ગયું છે. ફરી ધનવંતરી રથ પણ દોડાવાનું શરૂ કરાશે.