Abtak Media Google News

રાજકોટમાં શહેરમાં વધુ ૪૦ અને ગ્રામ્યમાં ૨૯ કોરોના પોઝિટિવ કેસ

સૌરાષ્ટ્રમાં એક તરફ મેઘરાજા તો બીજી તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે. એમાં પણ રાજકોટ શહેરમાં કોરોના ક્રુર તાંડવ મચાવી રહ્યો છે. એક દિવસમાં જ કોવિડ હોસ્પિટલમાં વધુ ૨૩ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જ્યારે આજ બપોરે શહેરી વિસ્તારમાં વધુ ૪૦ અને ગ્રામ્યમાં વધુ ૨૯ કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે.

રાજકોટમાં એક દિવસમાં કોરોનાએ વધુ ભયંકર સ્વરૂપ દર્શાવ્યું છે. રાજકોટની સિવિલ અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા ૨૩ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં વધુ ૨૦ દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં ૩ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ટપોટપ થતા મૃત્યુના કારણે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓના સગા સંબંધીમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

એક તરફ શહેરમાં કોરોના કાળમુખો બની દર્દીઓના ભોગ લઈ રહ્યો છે તો બીજી તરફ પોઝિટિવ કેસની સંખ્યા પણ અવિરત વધતી જોવા મળી રહી છે.

ગઈ કાલ સાંજ થી અત્યાર સુધી વધુ ૪૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાતા કુલ કેસનો આંક ૨૮૦૦એ પહોંચ્યો છે. ઓગષ્ટ માસમાં કોરોના વધુ ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યો છે. હર રોજના ૧૫ થી ૨૦ દર્દીઓના મોત અને ૭૦ની આસપાસ કોરોના સંક્રમિત કેસ નોંધાઈ રહ્યા છે. જેના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

તંત્ર દ્વારા ગઈ કાલે વધુ ૨૦૦૦ થી ઉપર સેમ્પલિંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરમાં આજ વધુ ૪૦ સંક્રમિત અને ગ્રામ્યમાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે ગઈ કાલે શહેર માંથી ૨૫ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તેઓને ઘર વાપસી કરાવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્મચારીઓને રાહત:૧૫૯માંથી ૬ના રિપોર્ટ પોઝિટિવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ૧૫૯માંથી ૬ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા જ કુલપતિ ડો. નિતિન પેથાણી સહિત ૫ કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તુરંત યુનિવર્સિટીના ૧૫૯ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી વધુ ૬ કેસ કોરોના સંક્રમિત નોંધાયા હતા કોરોનાએ ફરી સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના કર્મચારીઓને પોઝિટિવ રેશીયો ઘટતાં રાહતનો દમ અનુભવાયો છે. ભાજપના અગ્રણી અને સિન્ડીકેટ સભ્ય તથા સાયન્સ ફેકલ્ટીના ડિન ગિરીશ ભીમાણી સહિત વધુ ૬ કર્મચારીના કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ પુરવાર થયા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના બીચકતા ગઈકાલે એનએસયુઆઈના કાર્યકરોએ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો છે.

માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત

કોરોનાએ તમામ જિલ્લા બાદ તમામ તાલુકા ત્યાર બાદ કોરોનાએ તમામ ક્ષેત્રે પગ પેસારો શરૂ કર્યો છે. હોસ્પિટલ, પોલીસ મથક બાદ માર્કેટિંગ યાર્ડમાં પણ હવે કોરોના ઘુસી ગયો છે. આજ રોજ આવેલા કોરોના વધુ ૪૦ પોઝિટિવ કેસમાંથી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યાર્ડના લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. યાર્ડમાં આવતા ખેડુતો સહિતના અનેક લોકો ની અવરજવર રહેતી હોય છે. ત્યારે જો માર્કેટિંગ યાર્ડમાં કોરોના વિસ્ફોટ સર્જાશે તો યાર્ડની કામગીરી પર રોક લાગવાની પુરી ભીતિ રહેલી છે. હાલ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા ખાનગી હોસ્પિટલમાં આઇશોલેટ થઈ સારવાર શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.