Abtak Media Google News

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 2,190 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે 2,96,320 છે જ્યારે કુલ મરણાંક 4,479 છે. રાજ્યમાં હાલ 10,134 એક્ટિવ કેસ છે જ્યારે 83 દર્દી વેન્ટિલેટર પર છે.  રાજ્યમાં 29 ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક 10 હજારને પાર થયો છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 745 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી 609-ગ્રામ્યમાંથી 136 કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 61,590 જ્યારે 3,341 એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરમાં 604-ગ્રામ્યમાં 9 સાથે કુલ 613 નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક અમદાવાદમાં 69,548 છે જ્યારે 1,964 એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં 165-ગ્રામ્યમાં 22 સાથે 187 જ્યારે રાજકોટ શહેરમાં 139-ગ્રામ્યમાં 25 સાથે 164 નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં 33,019 જ્યારે રાજકોટમાં 25,873 છે. આમ, રાજ્યના ચાર જિલ્લામાંથી જ કોરોનાના 1,709 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 47 સાથે જામનગર, 45 સાથે પાટણ, 40 સાથે ગાંધીનગર-ભાવનગર, 25 સાથે નર્મદા-મહીસાગર, 20 સાથે દાહોદ-અમરેલી, 19 સાથે મહેસાણા-ખેડા-મોરબી, 17 સાથે સુરેન્દ્રનગર, 15 સાથે સાબરકાંઠા-આણંદનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 4, રાજકોટ-અમદાવાદમાંથી 1-1ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 2,342-સુરતમાં 1 હજાર જ્યારે રાજકોટમાં 204 છે. આમ, સુરત બીજો એવો જિલ્લો છે જ્યાં કોરોનાથી કુલ મરણાંક 1 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 507, સુરતમાંથી 454, વડોદરામાંથી 147, રાજકોટમાંથી 109 એમ રાજ્યભરમાંથી 1,422 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 2,81,707 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ 95.07% છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 88,099 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ, આજના દિવસનો પોઝિટિવિટી રેટ 2.49% હતો. ગુરુવારની સ્થિતિએ રાજ્યમાં 73,149 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

રસીનો પ્રથમ ડોઝ 40,89,217 અને બીજો ડોઝ 6,25,153 લોકોને અપાયા

અત્યાર સુધીમાં કુલ 40,89,217 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 6.25.153 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું. આમ કુલ 47,14,370 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષનાં ગંભીર બિમારી ધરાવતા કુલ 2,11,864 વ્યકિતઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ રસીનાં કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.રાજય સરકાર દ્વારા હાલમાં વધતા જતા કેસોને ધ્યાને લઈને ટેસ્ટનું પ્રમાણ સતત વધારી રહી છે.જેના ભાગરૂપે આજે સમગ્ર રાજયમાં 88,099 ટેસ્ટ કરવામા આવ્યા. આ પૈકી 2190 વ્યકિતઓ પોઝીટીવ આવેલ છે, એટલે પોઝીટીવીટી રેટ 2.49 ટકા જોવા મળેલ છે. આમ રાજય સરકાર વધુમાં વધુ ટેસ્ટ કરી, વહેલી તકે નિદાન થાય અને વહેલી સારવાર થાય એવી કામગીરી કરી રહી છે. રાજયમાં કોવિડ-19ના 2190 દર્દીઓ નોંધાયા છે. અને રાજયભરમાંથી 1422 દર્દીઓ સાજા થયેલ છે. આ સાથે રાજયનો રીકવરી રેટ 95.07 ટકા જેટલો છે. રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,81,707 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ કોરોના પોઝિટિવ

દેશમાં કોરોના વાયરસે  ફરી માથું ઉંચક્યું છે. કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેની વચ્ચે બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પરેશ રાવલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.  નોંધનીય છે કે થોડા સમય પહેલા પરેશ રાવલે રસી મુકાવી હતી છતાં પણ તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન  સચિન તેંડુલકરને પણ  કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પરેશ રાવલ ઉપરાંત રણબીર કપૂર, આમિર ખાન, માધવન અને સિદ્ધાંત ચતુર્વેદી પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.