Abtak Media Google News

રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ 15મી એપ્રિલ સુધી લંબાવાયો: રાજકોટમાં હવે 10 વાગ્યા બદલે 9 વાગ્યાથી બહાર નીકળવા પર પ્રતિબંધ

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પૂર્ણ થયા બાદ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. આવામાં રાજય સરકાર દ્વારા કોવિડ સંક્રમણને કાબુમાં લેવા માટે ગાઈડલાઈનની અમલવારી 30મી એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રાજયના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફયુ આગામી 15મી એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત ગઈકાલે ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવી છે. રાજકોટમાં કાલથી રાત્રીના 10 વાગ્યાના બદલે 9 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાત્રી કરફયુની સમય મર્યાદા એક કલાક વધારી દેવામાં આવી છે.

રાજયના ચાર મહાનગરોમાં દિવાળીના તહેવાર બાદ શરૂ થયેલી કોરોનાની બીજી લહેરથી જ રાત્રી કરફયુ લાદી દેવામાં આવ્યો છે જે પાંચ મહિના પૂર્ણ થવા છતાં યથાવત છે જોકે સંક્રમણ ઘટતા સરકાર દ્વારા તેમાં કલાકોમાં થોડી ઘણી છુટછાટ ચોકકસ આપવામાં આવતી. ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોરોનાની મુખ્ય ગાઈડલાઈનના લીરેલીરા ઉડવાના કારણે રાજયમાં ફરી કોરોનાનું સંક્રમણ વઘ્યું છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસો નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ગઈકાલે રાજયમાં કોરોનાના 2220 કેસો નોંધાયા હતા. આજે ચાર મહાનગરોમાં રાત્રી કરફયુની મુદત પૂર્ણ થઈ રહી છે તે પહેલા જ ગઈકાલે રાજય સરકાર દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી હતી કે, કોવિડ સંક્રમણના નિયંત્રણ માટેની ગાઈડલાઈન આગામી 30મી એપ્રિલ સુધી અમલમાં રહેશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, રાજયના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ જે રાત્રી કરફયુ અમલમાં છે તે 15મી એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરામાં રાત્રી કરફયુની અવધી 9 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધીની હતી જયારે રાજકોટમાં રાત્રી કરફયુ 10 થી લઈ સવારના 6 વાગ્યા સુધી અમલમાં હતું.

હવે ચારેય મહાનગરોમાં આવતીકાલથી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયુ 15મી એપ્રિલ સુધી અમલમાં રહેશે. એક તરફ વિવિધ વેપારી સંગઠનો દ્વારા રાજય સરકાર સમક્ષ એવી રજુઆત કરવામાં આવી રહી છે કે, રાત્રી કરફયુની અવધી ઘટાડવામાં આવે જેથી ધંધા-રોજગાર પર કોઈ અસર પડે નહીં પરંતુ રાજય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં રાત્રી કરફયુની અવધી એક કલાક વધારી દેવામાં આવી છે અને કોરોના ગાઈડલાઈનનો અમલ 30મી એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યો છે જે રીતે સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, 15મી એપ્રિલે પણ રાત્રી કરફયુ હટે તેવી સંભાવના નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.