Abtak Media Google News

બટર સ્કોચ બરફી, માર્શલ કેક, કાજુ-કતરી, ખજુર રોલ, મેંગો મલાઈ લાડુ, ખજુર બરફી અને મેસુબના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલાયા: ફરસાણ અને મિઠાઈના વેપારીઓ માટે ગાઈડલાઈન જાહેર

દશેરાના તહેવારને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોનાં નામાંકિત ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મીઠાઈના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવાની કામગીરી કરવામા આવી હતી. છેલ્લા ૧૦ દિવસમાં કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણના ઉત્પાદન કેન્દ્રો પર સઘન ચેકિંગ હાથધરી ૪.૫૦ ટનથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે ગાઈડલાઈન પણ જાહેર કરાય છે.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, દશેરાના તહેવારોમાં લોકોને શુઘ્ધ અને આરોગ્યપ્રદ મીઠાઈઓ મળી રહે તે માટે આરોગ્ય શાખા દ્વારા છેલ્લા ૧૦ દિવસથી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ૪.૫૦ ટન વાસી તથા અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પર જય ભારત ડેરી ફાર્મ એન્ડ નમકીનમાંથી બટર સ્કોચ બરફી, રૈયારોડ પર હીર એન્ટરપ્રાઈઝ યુ ટ્રેસ માંથી મેગો મલાઈ લાડુ, કેનાલ રોડ પર શ્રદ્ધા ડેરી એન્ડ નમકિનમાંથી માર્શલ કેક, પેલેસ રોડ પર સંતોષ ડેરી ફાર્મમાંથી બરફી, નાનામવા મેઈન રોડ પર લક્ષ્મીનગર શેરી નં.૩માં બેંગાલ સ્વીટમાંથી કાજુ-કતરી, મહાદેવ વાડી મેઈન રોડ-૪ કોર્નર પર આવેલી જય સીતારામ ડેરી એન્ડ નમકીનમાંથી ખજુર બરફીના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.આ ઉપરાંત મંગલા રોડ પર આવેલી વિશાલ ડેરી ફાર્મમાંથી ચોકલેટ, બરફી, યુનિવર્સિટી રોડ પર શ્રીરામ ડેરીમાંથી મેસુબ, પંચવટી મેઈન રોડ પર શ્યામ ડેરીમાંથી ખજુર રોલ, જંકશન પ્લોટમાં ગાયત્રી ડેરી ફાર્મમાંથી બરફી અને મવડી મેઈન રોડ પર શિવશકિત ડેરીફાર્મમાંથી કાજુ-કતરીના નમુના લેવામાં આવ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ફરસાણ અને મીઠાઈના વેપારીઓ માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ધંધાના સ્થળ પર મીઠાઈ અને ફરસાણ કયાં તેલ કે ઘી માંથી બને છે તેનું બોર્ડ લગાવવું ફરજીયાત છે. ખાદ્ય સામગ્રીનો જથ્થો ફલાય પ્રુફ જારી અથવા યોગ્ય રીતે ઢાંકીને રાખવાનો રહેશે. મીઠાઈના ઉત્પાદકો આઈએએસ માર્કાવાળો ફુડ કલર ઉપયોગ કરી શકશે. જો મીઠાઈ બનાવવા ચાંદીના વરકની ઉપયોગ કરવો ફરજીયાત હશે તો ગુણવતાયુકત અને માન્યતા પ્રાપ્ત ચાંદીના વરકનો જ ઉપયોગ કરવાનો રહેશે. લોકોએ પણ મીઠાઈ અને ફરસાણ ખરીદી કરતી વખતે અમુક સાવચેતી રાખવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.