બન્ને મોલના ફૂડ કોર્ટમાંથી અખાદ્ય ખોરાક ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનીયાનો રોગચાળો ફેલાવતા મચ્છરોના લારવા મળી આવતા ૧૯ હજારનો દંડ ફટકારાયો: ડિમાર્ટમાં પણ ચેકિંગ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા રિલાયન્સ મોલ અને કાલાવડ રોડ પર આવેલા ક્રિષ્ટલ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બન્ને મોલમાં ફૂડ કોર્ટમાંથી ચેકિંગ દરમિયાન મળી આવેલા ૪૦૦ કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરી મચ્છરના લારવા મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો. ડિમાર્ટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ મોલના ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેજલબેન અભાણીના ક્રેઝી બાઈટમાંથી ૫ પેકેટ બ્રેડ, ૫ પેકેટ પાઉં, ૧૨ કિલો ઢોસાનો મસાલો, ૧૩ કિલો ઈડલીનો મસાલો, ૧૧ કિલો મેદુવડા, ૭ કિલો પાણી પુરીનો મસાલો અને કલર, કાઠીયાવાડી કસુંબામાંથી ૫ કિલો હાંડવો, જીતુભાઈ સોજીત્રાના બેલ પીઝોટમાંથી ૧૧ કિલો ચટણી, ૭ કિલો ચીઝ, ૫ કિલો બટર, ૭ કિલો બ્રેડ, ૫ કિલો પાઉં, ૧૧ કિલો લીલી ચટણી, ૫ કિલો લાલ મરચા, વર્મીન મોકટેલમાંથી ૫ કિલો કેન્ડી, ધ રેલીઝ રેસ્ટોરન્ટમાંથી ૧૨ કિલો પાઉંભાજીની ગ્રેવી, ૪ કિલો ચણા, ૧૧ કિલો કોબીચનો સંભારો, ૮ કિલો મન્ચ્યુરન, વાસી શાકભાજી, ૮ કિલો નુડલ્સ, પરાઠા એકસપ્રેસમાંથી ૧૧ કિલો ગ્રેવી, ૮ કિલો પાસ્તા, ૬ કિલો ટમેટાનો સોસ, ૩ કિલો ચીઝ, ૭ કિલો ચટણી, ૧૨ કિલો મીકસ પાઉભાજી અને ૮ કિલો મન્ચ્યુરન સહિત ૨૫૦ કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ મોલના ફૂડ ઝોનમાં એક પાર્ટ બંધ રહે છે જેમાં અડધો ફૂટ પાણી ભરેલ હતું. આ પાણીમાં મચ્છર તથા લારવા મળી આવ્યા હતા. જે ચીકન ગુનીયા અને મેલેરીયા જેવો રોગચાળો ફેલાવે છે.સામાન્ય રીતે મોલ કે મલ્ટીપ્લેકસમાં લોકો દિવસ દરમિયાન જ જતા હોય છે અને ત્યાં આવા મચ્છરોના કરડવાથી લોકો ભયંકર રોગના શિકાર બનતા હોય છે. રિલાયન્સમાં ચેકિંગ હાથ ધર્યા બાદ કોર્પોરેશનનો કાફલો કાલાવડ રોડ પર ક્રિષ્ટલ મોલમાં ત્રાટકયો હતો. ક્રિષ્ટલ મોલમાં આવેલા હાઈડ આઉટ લોજમાંથી પણ ૧૫૦થી વધુ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ક્રિષ્ટલ મોલમાંથી પણ ચીકનગુનીયા અને ડેન્ગ્યુનો રોગચાળો ફેલાવતા મચ્છરના લારવા મળી આવતા ક્રિષ્ટલ મોલને ‚ા.૯ હજાર અને રિલાયન્સ મોલને ‚ા.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિ માર્ટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.