Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે ૧૦૪૭.૬૧ કરોડના જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ તથા ઈ-આવાસનો ડ્રો: કાયદા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે, અસામાજિક તત્વો સુધરી જાય: મુખ્યમંત્રી

રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૧૦૪૮.૬૭ કરોડ ખર્ચના જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-આવાસ ડ્રો યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે, આજે ૧૦૪૮.૬૭ કરોડ રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ અને આવાસનો ડ્રો કરવામાં આવેલ છે તે બદલ મનપાને અભિનંદન. ગુજરાત આપતીને અવસરમાં પલટાવવાની ખુમારી ધરાવે છે. રાજકોટ પણ એ બાબતમાં પાછળ નથી. કોરોનાના કારણે લાઈફસ્ટાઈલ બદલી છે સાથે સાથે રાજ્યે વિકાસની ગતિ જાળવી રાખી છે. પ્રધાનમંત્રીએ જાન હે તો, જહાન હે મંત્ર આપેલ છે અને આપણે સૌએ મહામારી સામે લડી રાજ્યને ઝૂકવા દીધું નથી. કોરોના સામે લડવા સરકાર સતત પ્રયત્નશીલ છે જેના પરિણામે રિકવરી રેઈટ વધે છે અને મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો છે. કોરોના સામે રાજકોટમાં કેસ થોડા વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આજ સિનીયર પાંચ ડોક્ટરો અને આરોગ્ય સચિવ  જયંતિ રવિને રાજકોટમાં પાંચ દિવસ મુકામ રાખી કોરોના ઉપર ફોકસ કરવા જણાવેલ છે. રાજકોટમાં ૧૫૦ બેડ વધારવા, તથા ટેસ્ટીંગ વધારવા અને સર્વેલન્સ વધારવાની સુચના આપી છે.

Advertisement

રાજ્ય સરકાર ચાર સ્થંભ ઉપર કામ કરી રહી છે. અને સરકારના ૧૪૦૦ દિવસોના શાસન દરમ્યાન ૧૫૦૦થી વધુ નિર્ણયો કરવામાં આવેલ છે. હજુ પણ જુદા જુદા કાયદા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે, જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ, તેમજ અસામાજિક તત્વો ગુંડાગીરી ન કરે તે માટેના કાયદાનો સમાવેશ થાય છે. ગુંડાઓ કા તો ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડીને સુધરી જાય. વિશેષમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અમલમાં મુકેલ છે. રાજકોટ શહેરમાં પણ આ યોજનાનો વહેલાસર અમલ કરે તેવું મારૂ સૂચન છે. રાજકોટ શહેરે તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ૧ થી ૧૦ માં સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ હું મનપાને તથા સમગ્ર શહેરને અભિનંદન પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકા દુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે તેને આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહે તેવું સૂચન કરૂ છું. રાજકોટ શહેરમાં લોકોને રહેવું ગમે એટલે કે રાજકોટ શહેર લવેબલ અને લીવેબલ સિટી બને તે માટે પ્રસાશન કટીબદ્ધ રહે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યુ હતું કે,  મહાનગરપાલિકા અને રૂડા દ્વારા રૂ.૧૦૪૮.૬૭ કરોડના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલ આવાસોનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે થયો હતો. કોરોના મહામારીમાં પણ રાજ્યની વિકાસની ગતિ અવિરત ચાલુ રહે તે માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશમાં કોઈ ઘરવિહોણું ન રહે તેવો સંકલ્પ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ સતત આવાસ યોજના આગળ ધપાવી રહી છે. અત્યારસુધીમાં હજારો આવાસો બનાવી લોકોને ફાળવી આપેલ છે. રૂ.૪૮૬ કરોડના ખર્ચે બની રહેલ ૩૦૭૮ તેમજ રૂડાના ૨૧૭૬ આવાસોનો ડ્રો થનાર છે. આ ઉપરાંત રૂ.૨૯૨.૮૫ કરોડના ખર્ચે ૩૩૨૪ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સંવેદનશીલ મુખ્યમંત્રીએ લોકોએ પોતાની મરણ મૂડીમાથી યુ.એલ.સી. કે સુચીત સોસાયટીઓમાં મકાન ખરીદેલ હોય તેવા લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેગ્યુલર કરી આપવાનો નિર્ણય કરી અને સનદ આપેલ છે. આમ રાજ્યના તમામ લોકોને સ્પર્શે તેવા અનેક નિર્ણયો કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાને આવાસ અંતર્ગત એવોર્ડ મળેલ છે. થોડાક દિવસ પહેલા જ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લાભાર્થીને ત્યાં જ વિનામુલ્યે આવસ બનાવી આપવામાં આવેલ છે. જે બદલ ભારત સરકારને હાઉસિંગ વિભાગ સાથે સંકળાયેલ દિલ્હીની ઈલેઝ સંસ્થા દ્વારા રાજકોટ શહેરનું નામ એવોર્ડ માટે પસંદ કરેલ છે. જે આપણા માટે ગૌરવની બાબત છે. આ ઉપરાંત ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર, ડી.આઈ. પાઈપ લાઈન, નવા સ્કુલ બિલ્ડીંગ, સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન વિગેરેના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રૈયા ધાર સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૫૦ સદ વોટ કેપેસીટીના સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેના કારણે આશરે દૈનિક ૧૦૦૦ યુનીટ વીજળી મળી રહેશે અને વાર્ષિક રૂ.૩.૬૦ લાખની વીજ બચત થશે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૯ જેટલી ઓફીસ બિલ્ડીંગોમાં સોલાર પાવર પ્લાન્ટ બેસાડેલ છે. જેના કારણે વાર્ષિક રૂ.૬૬.૨૪ લાખની નાણાકીય બચત થાય છે અને વાર્ષિક આશરે ૭૨૦ ટન જેટલો ગ્રીન હાઉસ ગેસ એમીશનમાં ઘટાડો થઇ રહ્યો છે.

વિશેષમાં તાજેતરમાં જ માન.મુખ્યમંત્રીએ દરેક લોકોને નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજનાનો ભગીરથ નિર્ણય કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે વિકાસકામોની  ગતિ અને પ્રગતિ જાળવી રાખવા કટિબદ્ધ છે. કોરોના મહામારીમાં પણ રાજકોટ મહાનગરપાલિકા સતત કામગીરી કરી રહેલ છે. થોડા સમય પહેલા જ ૫૦ થી વધુ ધનવંતરી રથ, સંજીવની રથ અને ૧૦૪ સેવા રથ શરૂ કરેલ છે. કોરોના મહામારીને મહાત કરવા સૌ સતર્ક રહીએ, માસ્ક પહેરીએ અને સોશિયલ ડીસટન્સ જાળવીએ

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર, રાજ્ય અને કોર્પોરેશનના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ આવાસો બનાવી ગરીબ લોકોને સુપરત કરેલ છે.મહાનગરપાલિકાના ૧૬૪૦ આવાસ તથા રૂડા દ્વારા બની રહેલ ૨૧૭૬ આવાસોનો ડ્રો  મુખ્યમંત્રીના વરદ હસ્તે થઈ રહેલ છે. તેમજ કુલ રૂ. ૧૦૪૮.૬૭ કરોડના ખર્ચે જુદાજુદા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

આભારવિધિ બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ કરી હતી.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, , હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ, તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.