Abtak Media Google News

શહેરના 18 વોર્ડમાં મહાપાલિકા હસ્તકના 158 બગીચાઓ આવેલા છે જે પૈકી માત્ર ચાર ગાર્ડનમાં જ સીસીટીવી કેમેરાનું કવચ છે. આ  4 માંથી 3 ગાર્ડન રેસકોર્સ સંકુલમાં જ આવેલા છે. બાકીના 154 ગાર્ડન અસલામત હોવાનો પર્દાફાશ સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય મનિષભાઈ રાડીયાએ જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્ર્નના જવાબમાં થવા પામ્યો છે. શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવતી મહાપાલિકાએ માત્ર દંડ વસુલવાના આશ્રયથી આ કામગીરી કરવાના બદલે બગીચામાં બાળકોની સુરક્ષા વધે તે માટે પણ ધ્યાન આપવું જોઈએ.

ગત શનિવારે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વોર્ડ નં.2ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય મનિષભાઈ રાડીયાએ એસ્ટેટ ટાઉન પ્લાનીંગ અને બગીચા શાખાને લગતા પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જેનો મહાપાલિકા તંત્ર દ્વારા લેખીતમાં જવાબ આપવામાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું છે કે, ગાર્ડન શાખા હસ્તકના 158 પૈકી માત્ર 4 બગીચામાં સીસીટીવી કેમેરા છે.

બાકીના 154 ગાર્ડન અસલામત હોવાનો આડકતરો એકરાર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.2માં રેસકોર્સ સંકુલમાં આવેલા સીનીયર સીટીઝન પાર્ક, રેસકોર્સ બાલઉદ્યોન અને રેસકોર્સ વિસ્તૃતિકરણ ગાર્ડન ઉપરાંત વોર્ડ નં.14માં સોરઠીયાવાડીના બગીચામાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. વોર્ડ નં.1માં 5 બગીચા, વોર્ડ નં.2માં 21 બગીચા, વોર્ડ નં.3માં 8 બગીચા, વોર્ડ નં.4માં 2 બગીચા, વોર્ડ નં.5માં 4 બગીચા, વોર્ડ નં.6માં 12 બગીચા, વોર્ડ નં.6 બગીચા, વોર્ડ નં.8માં 10 બગીચા, વોર્ડ નં.9માં 19 બગીચા, 10માં 20 બગીચા, 13માં 14 બગીચા, 14માં 13 બગીચા, 15માં 11 બગીચા, 16માં 3 બગીચા, 17માં 6 બગીચા, 18માં 2 બગીચા અને ન્યારી ડેમ ખાતે 2 ગાર્ડન સહિત કુલ 158 બગીચાઓ આવેલા છે.

અન્ય પ્રશ્ર્નમાં મનિષભાઈ રાડીયાએ એવો જવાબ માંગ્યો હતો કે, ટીપીના પ્લોટ રમત ગમત માટે સંસ્થાઓને ભાડે આપવામાં આવ્યા હોય તો તેની વાર્ષિક આવક કેટલી થવા પામે છે. જેના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, સત્ય સાંઈ રોડ પર વીએમવી હોસ્ટેલ સામેનો ટીપીનો 1000 ચો.મી.નો પ્લોટ નવરંગ ચેરીટેબલ ટ્રસ્ટને ભાડે આપવામાં આવ્યો છે. જેમાં ટોકનદર મુજબ ભાડુ, સફાઈ વહીવટ ચાર્જ અને જીએસટી સહિત કુલ 1.08 લાખની વાર્ષિક આવક થવા પામે છે. જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ કોર્પોરેટરોને તેના જવાબો આપવામાં આવતા હોવાનું પણ સામે આવી રહ્યં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.