Abtak Media Google News

ચોમાસાની સિઝનમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણપ્રેમીઓને સમયસર ટ્રી-ગાર્ડ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા આજથી સાત દિવસની શોર્ટ નોટિસનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.અંદાજે ૫૫ લાખના ખર્ચે પાંચ હજાર નંગની ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવશે. ટૂંક સમયમાં વિતરણ અંગેની સત્તાવાર તારીખ પણ જાહેર કરવામાં આવશે.

કોર્પોરેશન ૫૦૦૦ ટ્રી ગાર્ડ ખરીદશે:શોર્ટ નોટિસ ટેન્ડર પ્રસિધ્ધ

કોર્પોરેટર દીઠ  ૭૫ નંગ ટ્રી-ગાર્ડ અપાશે: સેવાકીય સંસ્થા અને સોસાયટીઓને રૂ.૫૦૦ માં મળશે  ટ્રી-ગાર્ડ

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે,ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં વૃક્ષારોપણ માટે રાજકોટવાસીઓને સમયસર ટ્રી-ગાર્ડ મળી રહે તે માટે આજે સાત દિવસની શોર્ટ નોટિસ સાથે ટ્રી-ગાર્ડ ખરીદવા માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.ટેન્ડરની મુદત આગામી ૨૬મી જૂનના રોજ પૂરી થશે.અંદાજે ૫૫ લાખના ખર્ચે ૫૦૦૦ નંગ ટ્રી-ગાર્ડ ખરીદવામાં આવશે. કોર્પોરેશનને એક  ટ્રી-ગાર્ડ આશરે ૧૧૦૦ રૂપિયામાં પડશે.એક ટ્રી-ગાર્ડનું વજન ૧૩ કિલો અને ૭૦૦ ગ્રામ હશે  લોખંડના આ ટ્રી ગાર્ડની ઊંચાઈ ૨.૨૫ મીટરની અને તેનો વ્યાસ ૪૫ સેન્ટીમીટર રહેશે. કોર્પોરેટર દીઠ દર વર્ષની માફક આ વર્ષે પણ ૭૫ નંગ   ટ્રી-ગાર્ડની ફાળવણી કરવામાં આવશે.જ્યારે કોઈ સેવાકીય કે સામાજિક સંસ્થા અથવા સોસાયટી જો કોર્પોરેશન પાસેથી ટ્રી-ગાર્ડ ખરીદ કરવા ઈચ્છતી હશે તો તેને પ્રતિ નંગ ટ્રી-ગાર્ડ રૂ.૫૦૦ વસૂલીને આપવામાં આવશે.

દરમિયાન મેયરે વધુમાં ઉમેર્યું હતું કે,ટ્રી-ગાર્ડ  વધુ સંખ્યામાં ખરીદી શકાય તે માટે વજન ઓછો રાખવામાં આવે તો કોઈ સમસ્યા સર્જાય કે કેમ તે અંગે પણ જે તે વિભાગના અધિકારીને સુચના આપવામાં આવી છે.જો વજન ૧૩ કિલોના બદલે ૯ કિલો રાખવામાં આવે તો સંખ્યામાં વધારો થાય અને વધુ માત્રામાં લોકોને આપી શકાય ટ્રી-ગાર્ડ આપી શકાય.જેની ખરીદ કરવા માટે ટેન્ડરની મુદ્ત પૂર્ણ થયા બાદ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવા મંજૂરીની મહોર મરાશે. અને ત્યાર બાદ ત વિતરણ અંગેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે..

૬૦ હજાર વૃક્ષો અર્બન ફોરેસ્ટમાં જ્યારે ૪૦ વૃક્ષ ટીપીના રોડ અને અન્ય સ્થળોએ રોપાશે

રાજકોટમાં વિસ્તારની સરખામણીએ ગ્રીનરીનું પ્રમાણ ૫૦ ટકાથી પણ ઓછું છે.શહેરનું તાપમાન દર વર્ષે ઉનાળાની સીઝનમાં સતત વધી રહ્યું છે.આવામાં  ગ્રીનરીનું પ્રમાણ વધારવા માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં એક લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો છે.જે પૈકી ૬૦ હજારથી વધુ વૃક્ષ આજી ડેમ પાસે નિર્માણાધીન અર્બન ફોરેસ્ટમાં પાસે જ્યારે અન્ય ૪૦ હજાર વૃક્ષો નું ટીપીના પ્લોટ કે અન્ય સ્થળોએ વાવેતર કરવામાં આવશે આ માટે સેવાકીય સંસ્થાઓ ની પણ મદદ લેવામાં આવશે ટૂંક સમયમાં વૃક્ષારોપણ શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.