Abtak Media Google News

વિજિલન્સ તપાસની માંગ કરતા વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં બનાવવામાં આવેલી વીર નર્મદ આવાસ યોજનામાં તંત્રની બલિહારીના પાપે કોન્ટ્રાકટર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. બિલ્ડીંગ પ્લાન્ટના બ્રોસરમાં બતાવવામાં આવેલા નકશા મુજબ કામ થયું નથી. બિલ્ડર સિકયુરીટી રૂમ અને ૨૦૦ ફુટની મસમોટી દિવાલ હજમ કરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજુઆત કરી સમગ્ર ઘટનામાં વિજિલન્સ તપાસની માંગ કરી છે.

તેઓએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરતા જણાવ્યું છે કે, વોર્ડ નં.૧૩માં વીર નર્મદા આવાસ યોજનામાં બેફામ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. તાજેતરમાં જયારે તેઓએ સ્થળની મુલાકાત લીધી ત્યારે એવું જોવા મળ્યું હતું કે કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાનું જે બ્રોસર આપવામાં આવ્યું હતું તેમાં સિકયોરીટીના રૂમ અને ૨૦૦ ફુટની દિવાલ દર્શાવવામાં આવે છે પરંતુ ઈન્ડસ્ટ્રીઝ એરીયાની બાજુમાં કોન્ટ્રાકટર દ્વારા આવી દિવાલ બનાવવામાં આવી નથી અને ઈન્ડસ્ટ્રીઝમાં એસીડનું કારખાનું ધમધમી રહ્યું છે.

જયારે આ કારખાનાના માલિકને પુછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન કે બિલ્ડર દ્વારા અહીં કોઈ દિવાલ ઉભી કરવામાં આવી નથી. આ દિવાલ તમારી માલિકીની છે. આ ઉપરાંત આવાસ યોજનાની પત્રિકામાં સિકયોરીટી રૂમ દર્શાવવામાં આવ્યો છે. અધિકારીઓ સાથે મીલી ભગતના કારણે કોન્ટ્રાકટરે અહીં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે વીર નર્મદ આવાસ યોજનામાં સિકયોરીટી રૂમ છે જ નહીં. આમ બિલ્ડર આખે આખી ૨૦૦ ફુટની દિવાલ અને સિકયોરીટી રૂમ હજમ કરી ગયા છે.

તેઓએ ઉમેર્યું હતું કે, ગત ૧૧મી નવેમ્બરના રોજ આ આવાસ યોજનામાં બિલ્ડરના ભ્રષ્ટાચારના પાપે એક નિર્દોષ વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો. લીફટના કારણે આ દુર્ઘટના બની હતી હવે જયારે લીફટ રીપેરીંગ માટે કોઈ કર્મચારી કે અધિકારીઓ આવે છે તો તેઓ રહેવાસીઓને ધમકાવે છે. આવા સંજોગોમાં સ્થાનિકોને ન્યાય મળી રહે તે માટે તપાસની માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.