લીંબડી પાસે કાર અકસ્માતમાં દંપતિનું મોત: સાત ઘાયલ

વિરપુરથી દર્શન કરી ખેડા પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો

લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં વિરપુરથી દર્શન કરી ખેડા પરત ફરી રહેલા પકરીવારની વાનને બોડીયા ગામ પાસે કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતા દંપતિનું મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય સાત ઇજાગ્રસ્ત સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખેડા રહેતા ઘનશ્યામભાઈ જગદીશભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે વિરપુર જલારામ મંદિર દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ રાજકોટ-લીંબડી નેશનલ હાઇવે પર બોડીયા ગામ પાસે પાછળથી આવતા અજાણ્યા વાહને ટક્કર મારતા વાન પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં જગદીશભાઈ ઠક્કર અને તેમના પત્ની સુમિત્રાબેન ઠક્કરને ગંભીર ઇજા થતાં બંનેના મોત નિપજ્યા હતા. જ્યારે વાનમાં સવાર પરિવારના અન્ય સભ્યો ઘનશ્યામભાઈ, સરસ્વતીબેન, કિરીટભાઈ, શ્વેતાબેન, મધુબેન, શુભ અને વીધીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.