Abtak Media Google News

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ બનેલા વીજચોરો સામે તંત્ર દ્વારા તવાઈ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામેલ છે. વીજ ચોરીના દુષણથી પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે.

Advertisement

પીજીવીસીએલ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંસતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જસદણ પંથકના આટકોટ, જસદણ અને વિંછીયા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 33 જેટલી વીજચેકિંગની ટુકડીઓ ત્રાટકી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 555 જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 69 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં એક જ દિવસમાં કુલ રૂ. 21.90 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. તદુપરાંત, છેલ્લા ચાર દિવસમાં અધધ રૂ. 103.83 લાખની વીજ ચોરી પકડી પાડવામાં તંત્રને સફળતા હાંસલ થયેલ છે.

આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા બોટાદ, જામનગર, ભાવનગર, મોરબી જીલ્લાઓ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં પણ માતબર રકમની વીજચોરીઓ પકડી પાડીને વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવેલ હતી. આમ, તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને વીજ લોસ ઘટાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં એ પ્લસ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાસલ કરેલ છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.