Abtak Media Google News

માધાપર બ્રિજના જમીન સંપાદનનું બીજું જાહેરનામું અધ્ધરતાલ રહ્યું છે. બ્રિજ ખુલ્લો મુકાયો તેને મહિનાઓ વીતી ગયા છતાં જમીન સંપાદનની કાર્યવાહી આગળ ધપી શકી નથી. બ્રિજનો એક સાઈડનો સર્વિસ રોડ ખોલવામાં તંત્રને રસ જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

બ્રિજ ખુલ્લો મુકાયો તેને મહિનાઓ વીતી ગયા છતાં જમીન સંપાદનની કાર્યવાહી આગળ ન ધપી, બ્રિજનો એક સાઈડનો સર્વિસ રોડ ખોલવામાં તંત્રને રસ જ ન હોય તેવો ઘાટ

ગત 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટના પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડીએ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા વાહનચાલકોને હવેથી સરળતા રહે છે.આ બ્રિજ 60 કરોડના ખર્ચે  તૈયાર થયો હતો. આ બ્રિજ 1124.70 મીટરની લંબાઈ, 23.82 મીટરની પહોળાઈ અને 5.50 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ બ્રિજના એક તરફના સર્વિસ રોડની પહોળાઈ 9.10 મીટર રાખવામાં આવી છે. જ્યારે બીજી તરફ સર્વિસ રોડ જ નથી. આ બ્રિજના સર્વિસ રોડ માટે ગાંધી સોસાયટીના કોમન પ્લોટની જમીનનું સંપાદન કરવાની પ્રક્રિયા હાલ સુધી ચાલુ છે. ઉપરાંત તેના ખાનગી પ્લોટના પણ નાના હિસ્સાની જમીનનું સંપાદન કરવાનું હોય પણ મૂળ માલિક શોધવામાં ગુંચવણ ઉભી થતી હોય ખાનગી પ્લોટની જમીનનું સંપાદન બીજા તબક્કામાં ધકેલી દેવામાં આવ્યું હતું. પણ કોમન પ્લોટની જે જગ્યા છે તે અંગેનું બીજું જાહેરનામું પણ હજુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી.

આ બ્રિજમાં હાલ એક જ સર્વિસ રોડ ચાલુ છે. જેને પગલે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. હજુ બીજા સર્વિસ રોડની કોઈ જ તૈયારી નથી. જેની કાગળ ઉપરની કાર્યવાહીમાં પણ તંત્ર ઢીલ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.