Abtak Media Google News

21 જેટલા વેપારીઓએ ડીએસઓની દંડનીય કાર્યવાહી સામે કલેકટર સમક્ષ અપીલ કરી હતી, અગાઉ 10 વેપારીઓને 41.44 લાખનો દંડ ફટકારાયા બાદ બાકીના વેપારીઓ સામે પણ દંડનો હુકમ

બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં સસ્તા અનાજના 21 દુકાનદારોનું હિયરીંગ પૂર્ણ થઈ ગયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 10 વેપારીઓને દંડ ફટકાર્યા બાદ હવે વધુ 11 વેપારીઓને પણ રૂ.46.59 લાખના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં રાજકોટ શહેર અને જિલ્લામાં સસ્તા અનાજના 21 વેપારીઓના નામ ખુલ્યા હતા. સાબરકાંઠામાંથી આ કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યાંથી એવું ખુલ્યું હતું કે રાજકોટમાં પણ આ રાશન કાર્ડ વેચવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં રાજકોટના કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા 3 કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તત્કાલીન પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ આ કૌભાંડમાં સંડોવાયેલ 21 વેપારીઓને સાંભળીને તેઓને દંડ ફટકાર્યો હતો.આ સાથે તે તમામના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા.

વેપારીઓ જિલ્લા પુરવાર અધિકારીની આ કાર્યવાહીથી નારાજ થઈ કલેકટર સમક્ષ અપિલમાં આવ્યા હતા.જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ 21 વેપારીઓની સુનાવણી હાથ ધરી હતી. જેમાં તમામ વેપારીઓને સાંભળવામાં આવ્યા હતા.  અગાઉ કલેકટર દ્વારા 10 વેપારીઓ જેમાં જેતપુર તાલુકાના વીરપુર ગામના વિજયભાઈ બાવનજીભાઈ વઘાસિયાને રૂ. 9648, જેતપુર તાલુકાના દેરડી ગામના જગજીવનભાઈ ગોબરભાઈ ગોંડલીયાને રૂ.48,579, રાજકોટના હનુમાનમઢી ચોકના હસમુખ નાનજીભાઈ રાણાને રૂ. 12.14 લાખ, રાજકોટના સંતકબીર રોડના મુકેશભાઇ જેન્તીલાલ જોબનપુત્રાને રૂ. 1.63 લાખ, રાજકોટના પેડક રોડના લાખાભાઈ ખીમાભાઈ બગડાને રૂ.13.35 લાખ, જેતપુર તાલુકાના આરબટીંબડીના દિલીપભાઈ ચંદુલાલ ભાયાણીને રૂ. 12,495, જેતપુરના નીતિનભાઈ સવજીભાઈ નાગરને રૂ. 20,768, રાજકોટના ગુલાબનગરના એન.એમ.ભારમલને રૂ.9.84 લાખ, જેતપુરના દેવકીગાલોળના સંજયભાઈ તુલજાશંકર જાનીને રૂ. 1.12 લાખ તથા રાજકોટના ઢેબર કોલોની પ્રગતિ મંડળના અનિલભાઈ ભુપતભાઇ જેઠવાને રૂ.2.42 લાખ મળી કુલ રૂ.41,44,917નો દંડ જાહેર કર્યો હતો.

કલેકટર દ્વારા હવે વધુ 11 વેપારીઓ સામે દંડનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં જેતલસરના યોગેશભાઈ મૂળશંકરભાઈ મહેતાને રૂ. 16.43 લાખ, રમીલાબેન હસમુખરાય ઝાલાવડીયાને રૂ. 4.43 લાખ, સુખદેવભાઈ ભાઈશંકરભાઈ જોશીને રૂ. 3.16 લાખ, મનીષભાઈ નટવરલાલ જોબનપુત્રાને રૂ. 87 હજાર, બંસરીબેન ગૌરવભાઈ ગાજીપરાને રૂ.5 હજાર, કાઝી યાહ્યાભાઈ ગફરભાઈને રૂ. 1.83 લાખ, હિતેશભાઈ જગદીશભાઈ ત્રિવેદીને રૂ.1.73 લાખ, શોભનાબેન શૈલેષભાઇ પીપળીયાને રૂ. 4.65 લાખ, રાકુસા દીનાબેન સુરેશભાઈને રૂ.2.53 લાખ, ગોવિંદભાઇ હરિરામ હરિયાણીને રૂ. 10.41 લાખ, વિજયગીરી ગણપતગિરી ગોસાઈને રૂ. 47 હજાર મળી કુલ રૂ.46.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.