‘તું ઘરની રાણી નહિ નોકરાણી છો’ તેમ કહી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરીયા વિરૂધ્ધ નોંધાતો ગુનો

  • રાજકોટમાં રહેતા પતિ,સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ મહિલા પોલીસમાં નોંધાતો ગુનો
  • પતિ પરસ્ત્રી સાથે ભાગી ગયો અને સસરા દારૂ પી માર મારતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ

રાજકોટમાં પુત્રવધૂ પર ત્રાસ ગુજારતા વધુ એક સાસરિયાં સામે મહિલા પોલીસમાં ગુનો નોંધાયો છે.જેમાં જૂની કલેક્ટર ઓફિસ પાછળ, નરસંગપરામાં દોઢ વર્ષની પુત્રી સાથે બે મહિનાથી માવતરમાં રહેતી પરિણીતાએ રૈયા રોડ, આરએમસી ક્વાર્ટરમાં રહેતા પતિ,સાસુ,સસરા અને નણંદ સામે ફરિયાદ નોધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે,’તું ઘરની રાણી નઈ નોકરાણી છો’ તેમ કહી ત્રાસ આપતા હતા.

વિગતો મુજબ શ્વેતા નામની પરિણીતાએ ફરિયાદમાં તેના પતિ મલકેશ સોલંકી, સસરા રવજીભાઇ ભીખાભાઇ સોલંકી, સાસુ તલુબેન અને નણંદ ગાયત્રીબેન ઉત્તમભાઇ જેઠવા સામે ગુનો નોંધાવ્યો છે.જેમાં તેને ફરિયાદમાં જણાવાયું હતું કે, તેના મલકેશ સાથે તા.20-2-2018ના લગ્ન થયા છે. સંયુક્ત પરિવારમાં રહેતા હોવાને કારણે શરૂઆતમાં દાંપત્યજીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી સાસુ-સસરા રસોઇ તેમજ ઘરકામ મુદ્દે મેણાં મારી તને કંઇ આવડતું નથી, તને ઉઠતા બેસતા આવડતું નથી તેમ કહી પરેશાન કરતા રહેતા હતા.

 સસરા ઝઘડો કરે ત્યારે નણંદ અને સાસુ સમર્થન આપી મલકેશ સાથે છૂટાછેડા આપવા દબાણ કરતા હતા.

નણંદ ડિલિવરી કરવા આવતા વહુ તો ઘરની નોકરાણી હોય તેની પાસે જ ઘરનું તમામ કામ કરાવવાનું હોય અમારે તો આરામ જ કરવાનો હોય તેમ કહી પોતાની સાથે ઝઘડાઓ કરતા હતા. પતિ મલકેશે પોતાના કાકાને ફોન કરી થોડા દિવસ માટે પિયર લઇ જવા અને મકાન મળી જાય પછી પોતે લઇ જશેની વાત કરી હતી. જેથી કાકા રાતે ઘરે આવી પોતાને પુત્રી સાથે પિયર લઇ ગયા હતા.લાંબા સમય બાદ પતિ પોતાને તેડવા આવ્યા ન હતા. તે સમયે પોતાને ખબર પડી કે પતિ મલકેશને પરસ્ત્રી સાથે આડાસંબંધ હોય તેને લઇ ભાગી ગયા છે. આ વાત તે મહિલાના પિતાએ પોતાના પિતાને વાત કરી હતી. જેથી પિતાએ સસરા રવજીભાઇને ફોન કરતા તેમને પિતાને ગાળો ભાંડી હતી. ઉપરાંત સસરા રવજીભાઈ સોલંકીને દારૂ પીવાની ટેવ હોય જ્યારે દારૂ પીને ઘરે આવે ત્યારે પોતાને ઘરમાંથી નીકળી જવાનું કહેતા હતા અને અવાર નવાર ઝઘડા કરતા હતા તેમજ યેનકેન પ્રકારે મેણા મારતા હતા. જેથી અંતે તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.