એપ્રિલ માસથી રશિયાથી થતી ક્રૂડની આયાત 50 ગણી વધી!!!

Crude-oil
Crude-oil

ક્રૂડને કાબુમાં રાખવા રશિયા વ્હારે!!!

યુદ્ધ પહેલા ભારતમાં આયાત કરવામાં આવતા રશિયન ક્રૂડનો હિસ્સો માત્ર 0.2% જ હતો, જે વધીને 10% એ પહોંચ્યો

ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે અને કુલ આયાતી તેલમાં તેનો હિસ્સો વધીને 10 ટકા થઈ ગયો છે.  યુક્રેન-રશિયા યુદ્ધ પહેલા ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઈલમાં રશિયાનો હિસ્સો માત્ર 0.2 ટકા હતો.  એક અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે એપ્રિલમાં ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો 10 ટકા છે.  તે હવે ટોચના 10 સપ્લાયર્સમાંથી એક છે.

ખાનગી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જીએ 40 ટકા રશિયન તેલ ખરીદ્યું છે.  ગયા મહિને રશિયાએ ભારતના બીજા સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધું હતું.  રશિયાએ ભારતને ભારે ડિસ્કાઉન્ટ સાથે ક્રૂડ ઓઈલ ઓફર કર્યું છે.  ભારતીય રિફાઇનરી

કંપનીઓએ મે મહિનામાં લગભગ 25 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન બિઝનેસમેન માત્ર સસ્તા દરે ઈંધણ જ નથી આપી રહ્યા પરંતુ તેમની શરતો પણ આકર્ષક છે.  સૂત્રના જણાવ્યા અનુસાર, રશિયન બિઝનેસમેન પણ રૂપિયા અને યુએઇ દિરહામમાં પેમેન્ટ સ્વીકારી રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા લગભગ 3 અઠવાડિયામાં ભારતે રશિયા પાસેથી સરેરાશ 110 મિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે.  જે 24 ફેબ્રુઆરીથી 26 મે વચ્ચે સરેરાશ 31 મિલિયન પ્રતિ દિવસ હતો.

રશિયા ભારતને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે આપી રહ્યું છે ક્રૂડ

રશિયા ભારતીય ખરીદદારોને ખૂબ જ આકર્ષક દરે ક્રૂડ ઓઈલ ઓફર કરી રહ્યું છે.  આ કારણોસર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.  છૂટને કારણે છેલ્લા લગભગ 3 અઠવાડિયામાં તેલની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં 31 ગણી વધીને 2.2 અબજ ડોલર થઈ ગઈ છે.

કોલસાની ખરીદી પણ 6 ગણી વધી

તેલની સાથે હવે ભારત રશિયા પાસેથી કોલસો પણ મોટા પ્રમાણમાં ખરીદી રહ્યું છે.  રોયટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં છેલ્લા 20 દિવસમાં રશિયાથી કોલસા અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની આયાત 6 ગણી વધી છે.  રિપોર્ટ અનુસાર, ભારતીય ખરીદદારોએ આ સમયગાળા દરમિયાન 330 મિલિયન ડોલરનો કોલસો ખરીદ્યો છે.  રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓને 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  જેના કારણે ભારતીય ખરીદદારોએ ખરીદી વધારી છે.