Abtak Media Google News

બેટિંગની સાથે બોલિંગમાં ભારતે સર્વોપરિતા સાબિત કરી !!!

એશિયા કપમાં સુપર-4ની રિઝર્વ-ડે મેચમાં આજે ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રને પરાજય આપ્યો છે. કુદલીપ યાદવની ધમાકેદાર બોલિંગ સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે… દરમિયાન ભારતના 50 ઓવરમાં 2 વિકેટે 356 રનના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. કુલદીપ યાદવની 5 વિકેટ, રોહિત-ગીલની ફિફ્ટી અને કોહલી-રાહુલની સદીની મદદથી ભારતે મોટો સ્કોર ઉભો કરવાની સાથે ઘણા રેકોર્ડો પણ નોંધાવ્યા છે. મેચ જીતતાની સથી વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે, ભારતે પાકિસ્તાન સામે બેટિંગની સાથે બોલિંગમાં પણ સર્વોપરિતા સાબિત કરી છે. અત્યાર સુધી ભારતની નબળાઈ બોલિંગ રહી હતી જે આ સુપર 4 મુકાબલામાં તાકાત બની હતી.

ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ ઉભુ કર્યું હતું. ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા અને શુભમન ગીલે ફિફ્ટી ફટકાર્યા બાદ વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે પણ દમદાર બેટીંગ કરી પાકિસ્તાન સામે મોટો સ્કોર ઉભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતે પાકિસ્તાન સામે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન નોંધાવ્યા છે. આજની મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં 3 સિક્સ અને 9 ફોરની મદદથી 122 રન કરી ધમાકેદાર બેટીંગ કરી છે, જ્યારે તેનો સાથ આપનાર કે.એલ.રાહુલે પણ 106 બોલમાં 2 સિક્સ અને 12 ફોરની મદદથી 111 રન કર્યા છે.

47મી સદી ફટકારનાર કોહલીએ  સચિનનો રેકોર્ડ તોડ્યો

એશિયા કપ સુપર 4માં  વિરાટ કોહલીનો તરખાત જોવા મળ્યો હતો. કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 77મી તથા વનડે ઈન્ટરનેશનલની આ 47માં સદી પુરી કરી છે. કોહલીએ 94 બોલમાં 122 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમાં તેણે 9 ચોકા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ દરમ્યાન કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારા બેટ્સમેન બની ગયો છે. કોહલીએ આ બાબતે દેશના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. તો વિરાટે આ ઉપલબ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 હજાર રન

  • વિરાટ કોહલી- 267 ઈનિંગ્સ, કોલંબો 2023
  • સચિન તેંડુલકર- 321 ઈનિંગ્સ, રાવલપિંડી 2004
  • રિકી પોન્ટિંગ-  341 ઈનિંગ્સ, ઓવલ 2010
  • કુમાર સંગાકારા- 363 ઈનિંગ્સ, હમ્બનટોટા 2014
  • સનથ જયસૂર્યા- 416 ઈનિંગ્સ, દાંબુલા 2009

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.