Abtak Media Google News

ભારત-પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ હાઈવોલ્ટેજ મુકાબલો 2 સપ્ટેમ્બરના રોજ : એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે

એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 30 ઓગસ્ટથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પ્રમાણે યોજાશે. 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. લીગ સ્ટેજ, સુપર 4 અને ફાઇનલ સહિત કુલ 13 મેચ રમાશે. છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. ગ્રુપ બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં યોજાશે. જો બંને ટીમો આગળના સ્ટેજમાં પહોંચી જશે તો 10 સપ્ટેમ્બરે આ જ મેદાન પર આમને-સામને થશે. જો બન્ને ટીમો ફાઈનલમાં પહોંચશે તો ત્રીજી વખત ટકરાશે. આમ બંને ટીમો 15 દિવસમાં ત્રણ-ત્રણ વખત ટકરાઇ શકે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે મુલ્તાનમાં યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. 4 સપ્ટેમ્બરે નેપાળ અને ભારત ટકરાશે. આ મેચ પણ કેન્ડીમાં યોજાશે.

બંને ગ્રુપની 2-2 ટીમો સુપર-4માં પ્રવેશ મેળવશે. ફાઈનલ સુપર-4ની ટોપ 2 ટીમો વચ્ચે રમાશે. વન-ડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને એશિયા કપ વન-ડે ફોર્મેટમાં યોજાશે. વર્ષ 2022માં તેનું આયોજન ટી-20 ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીલંકાનો વિજય થયો હતો. છેલ્લે 2018માં વન ડે ફોર્મેટમાં ટૂર્નામેન્ટનું આયોજન થયું હતુ. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ વૉલ્ટેજ મુકાબલો પર દરેક ક્રિકેટ પ્રેમીઓની નજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.