Abtak Media Google News

મુશળધાર વરસાદને કારણે મઝિમવુ નદીના પાણી શહેરભરમાં ફરી વળ્યા: ૧૦૦૦થી વધુ પરિવારો બેઘર: ભારે તબાહી

દ.આફ્રિકામાં કવાઝુલુ નટાલ પ્રાંતના બંદરીય શહેર ડરબનમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ અને ત્યારબાદ પુર અને ભુસ્ખલનને કારણે ૬૦થી વધુ લોકોના મોત નિપજયા છે. ૧૦૦થી વધુ લોકો ઘવાયા છે. જેમાં ૬ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. કવાઝુલુ નટાલ પ્રાંતના અધિકારીએ જણાવ્યું હતું કે, ક્ષેત્રના બધા જ વિસ્તારમાં એકાએક હવામાન બગડવાની સ્થિતિ સર્જાતા ખુબજ વરસાદ પડવા લાગ્યો અને ત્યારબાદ કેટલીક દુર્ઘટનાઓ પણ સર્જાઈ હતી. જેમાં ૩૨ લોકોને તાત્કાલીક ધોરણે હોસ્પિટલે ખસેડાયા હતા.

ડરબન શહેરમાં બે વર્ષ પછી સૌથી ભીષણ પુર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પુરને કારણે સૌથી વધુ નુકશાન મઝીમવુ નદીના પાણીને કારણે થયું. તેનું તટબંધ તૂટી જવાથી શહેરભરમાં પાંચ-પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. લોકોની ફોર વ્હીલર અડધો અડધ પાણીમાં ડુબી ગઈ હતી. પુરને લીધે ૧૦૦૦થી વધુ પરિવારો બેઘર થયા જેને હાલ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. પુરની સ્થિતિને લઈ તાત્કાલીક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ અભિયાનના ગારીફે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકોની મૃત્યુ પુરના પાણીમાં ડુબવાથી અને ભુસ્ખલનની સ્થિતિને કારણે થઈ છે. હજુ પણ કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

દ.આફ્રિકાના સેનાના જવાનો આ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા છે. આ પૂર્વે પણ ૨૦૧૭માં ડરબનમાં પુરની સ્થિતિને કારણે અનેકે જીવ ગુમાવ્યા હતા. પોર્ટ સિટી ડરબનમાં વાહન વ્યવસ્થા, વિજળી વ્યવસ્થા અને જન જીવન ખોરવાયું હતું. કલાકો સુધી ગાડીઓની લાંબી લાઈન લાગી હતી. વિનાશ વેરતા વરસાદમાં ગાડીઓ ગળાડુબ અને લોકો મુશ્કેલીઓમાં ફસાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.