રાજકોટની હોટલ-રેસ્ટોરન્ટમાં હવે થશે રોજ ચેકિંગ : ચાર ફૂડ ઓફિસરને જવાબદારી

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતની કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવાશે: રોજ આરોગ્ય અધિકારીને રીપોર્ટ કરવો પડશે

કોરોના સંક્રમણને રોકવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવી રહ્યાં છે. જ્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની સંભાવના છે ત્યાં આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવી રહ્યાં છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં માનવ સમૂહ એકત્રીત થતો હોય. છેલ્લા ચારેક દિવસથી વોર્ડવાઈઝ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન રોજ ચેકિંગ માટે આરોગ્ય શાખાના ચાર ફૂડ ઓફિસરોને જવાબદારી સોંપાઈ છે જેને દૈનિક કામગીરીનો રિપોર્ટ આરોગ્ય અધિકારીને આપવાનો રહેશે.

વોર્ડ વાઈઝ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવા માટે આરોગ્ય અધિકારી ડો.લલીત વાજા દ્વારા ૪ ફૂડ ઓફિસરોના ખાસ ઓર્ડર કાઢવામાં આવ્યા છે. જે અલગ અલગ વોર્ડમાં આવેલા હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરશે. જ્યાં આવતા લોકો માસ્ક પહેરે છે કે કેમ, હોટલ-રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે અને ૫૦ ટકા કેપીસીટી સાથે ચલાવવામાં આવે છે કેમ તેનું ચેકિંગ કરાશે. જો સ્ટાફને તાવ-શરદી-ઉધરસ જેવા સામાન્ય લક્ષણો પણ દેખાશે તો તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે હોટલ કે રેસ્ટોરન્ટ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતો નહીં હોય તેની સામે સીલીંગ સહિતના આકરા પગલા લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરની મોટાભાગની હોટલ કે રેસ્ટોરન્ટમાં એસઓપીનું પાલન થતું જ નથી. એક પણ હોટલ ૫૦ ટકા કેપેસીટી સાથે ચાલતી નથી. ચાર વ્યક્તિની કેપેસીટી વાળા ટેબલ પર બે વ્યક્તિને જમવા બેસાડવા તેવું સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું છે છતાં ચારના ટેબલ પર ચાર વ્યક્તિને બેસાડવામાં આવે છે. મહાપાલિકાનું તંત્ર પણ હોતા હૈ… ચલતા હૈ…ની નીતિ ચલાવી રહ્યું છે. જેના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.