Abtak Media Google News

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના સરકારના લક્ષ્ય અને ઔદ્યોગીક વિકાસને વેગવાન બનાવી દેશના નિકાસ ક્ષેત્રને બળવતર બનાવવા આયાતી અવેજી ચીજ વસ્તુઓનો ઘર આંગણે વધુ ઉત્પાદન થાય તે માટેની ઔદ્યોગીક રણનીતિના ભાગરૂપે સરકારે ચીન સહિતના દેશોમાંથી આયાત કરવામાં આવતા સીમલેસ ટ્યુબ પાઈપ સહિતની વસ્તુઓ પર આ વર્ષે 31 ઓકટોબર સુધી એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.31 ઓકટોબર સુધી એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં વધારો કરવાથી ઘરેલુ ઉત્પાદનોને સસ્તા ચીનના આયાતી માલથી સુરક્ષીત રાખવામાં આવશે. ચીનમાંથી મંગાવવામાં આવતા સીમલેશ ટ્યુબ, પાઈપ અને લોખંડના કાચા માલ, ઢાળેલા અને ગાળેલા પોલાદના કાચા માલ પર મે 2016ના રોજ એન્ટી ડમ્પીંગ ડ્યુટી પાંચ વર્ષના સમયગાળા માટે નાખવામાં આવી હતી જેની મુદ્દત પુરી થવામાં આવી પરંતુ હજુ ઘરેલું ઉત્પાદનોને સુરક્ષીત રાખવા માટે સરકારે 31 ઓકટોબર 2021 સુધી એન્ટી ડમ્પીંગ ડ્યુટી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સીબીઆઈસી દ્વારા જારી કરેલા એક વિજ્ઞાપ્તીમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Advertisement

કેન્દ્રના વેપાર મંત્રાલયે ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીસ ડીજીટીઆરના અહેવાલને ધ્યાને લઈ ઘરેલું ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ચીનથી કરવામાં આવતા માલ પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘરેલું ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ચીન સહિતના અન્ય દેશોમાંથી આવતા કિંમતમાં સસ્તા કાચા માલ સામે ભારતની ઘરેલું વસ્તુઓનો વપરાશ ઉદ્યોગમાં ટકી રહે તે માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાખવામાં આવે છે. ઘરેલું ઉત્પાદનોને નુકશાનકારક એવી ઓછા ભાવની સામગ્રીના વ્યવહારને અટકાવવા માટે ડબલ્યુટીઓના ધારાધોરણ મુજબ એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાખવામાં આવે છે.

ઘર આંગણે તંદુરસ્ત વેપાર સ્પર્ધા અને સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષીત રાખવાના આશ્રયથી નિશ્ર્ચિત માપદંડમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાખવામાં આવે છે. આયાતી વસ્તુઓ સ્થાનિક ઉદ્યોગોને પડતી સમસ્યાના નિવારણ માટે ચીનમાંથી આવતી વસ્તુઓની એન્ટી ડમ્પીંગ ડ્યુટી 31મી ઓકટોબર સુધી વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.