Abtak Media Google News

અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફની બાળકો અને યુવાનોની દોટ ભારતીય સંસ્કૃતિથી અળગા બનાવી રહી છે. તેવામાં દેશના તમામ બાળકો પોતાના બાળપણથી જ ભારતના ભવ્ય ઇતિહાસને બરાબર રીતે જાણી શકે તે માટે શાળા અભ્યાસમાં જ હવે રામાયણ- મહાભારતના પાઠ ભણાવવા એનસીઇઆરટીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. જે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

બાળકોને અભ્યાસમાં જ ભારતની સંસ્કૃતિના પાઠ ભણાવવા કવાયત

ધો.7થી 12ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકોમાં રામાયણ અને મહાભારતને સમાવવા માટે એનસીઇઆરટીની શિક્ષણ વિભાગને ભલામણ

દેશના આવા મહાન મહાકાવ્યો ભણાવાશે નહીં તો શિક્ષણ પ્રણાલીનો કોઈ હેતુ કામનો નહિ રહે : નિષ્ણાંતોની પેનલની સ્પષ્ટ વાત

જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણના પાઠ જોવા મળી શકે છે. આ મામલે એનસીઇઆરટી એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે આ બંને કથાઓને શાળાના પુસ્તકોમાં સામેલ કરવા ભલામણ કરી છે.

શાળાના વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણ ભણાવવા એનસીઇઆરટીએ સોશિયલ સાયન્સના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત પેનલે સ્કુલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની પણ ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સી.આઈ.ઈસ્સાકે આ માહિતી આપી છે.

ઈસ્સાકે ભારપુર્વક જણાવ્યું કે, ધોરણ-7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે. તેમણે કહ્યું કે, સમિતિએ સામાજિક વિજ્ઞાન  અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ભણાવવા પર ભાર મુક્યો છે. અમારુ માનવું છે કે, કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના રાષ્ટ્ર પ્રત્યે આત્મ-સન્માન, દેશભક્તિ અને ગૌરવનો અહેસાસ થાય છે. તેમણે કહ્યું કે, હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ ભણાવે છે, જોકે તેઓ દંડકથા રૂપે ભણાવે છે. જો વિદ્યાર્થીઓને આ મહાકાવ્યો ભણાવાશે નહીં તો શિક્ષણ પ્રણાલીનો કોઈ હેતુ કામ કરશે નહીં અને તેઓ રાષ્ટ્રની સેવા પણ શીખી શકશે નહીં.

ઇતિહાસને ત્રણ નહિ ચાર ભાગમાં વહેંચવા ભલામણ

પ્રો. સીઆઇ આઈઝેકે કહ્યું- અમે ઈતિહાસને ચાર ભાગમાં વહેંચવાનું સૂચન કર્યું છે. એક – ક્લાસિકલ પિરિયડ, બીજો – મિડએવલ પિરિયડ એટલે મધ્યકાળ, ત્રીજો – બ્રિટિશકાળ અને ચોથો – આધુનિક ભારત. અત્યારસુધી ઈતિહાસ ફક્ત ત્રણ ભાગમાં જ ભણાવવામાં આવે છે – પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત. આઇઝેકના જણાવ્યા મુજબ, અમે ક્લાસિકલ પરિયડમાં મહાકાવ્યો રામાયણ અને મહાભારત શીખવવાનું સૂચન કર્યું છે. અમે માનીએ છીએ કે વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ કે રામ કોણ હતા અને તેમનો હેતુ શો હતો?

હિન્દૂ યોદ્ધાઓનો ઇતિહાસ પણ અભ્યાસમાં સમાવવા સૂચન

ભારત વર્ષમાં અનેક હિન્દૂ યોદ્ધાઓ થઈ ગયા જેને સંસ્કૃતિ અને પોતાના વિસ્તાર ખાતર ખૂબ સંઘર્ષો કર્યા છે. મુઘલ આક્રમણ વેળાએ અનેક યોદ્ધાઓએ ધર્મ ખાતર બલિદાન આપ્યા છે. આવા યોદ્ધાઓના પાઠ પણ શિક્ષણમાં સમાવવા માટે નિષ્ણાંતોની પેનલ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.