રામનાથ મહાદેવ મંદિર નવનિર્માણનું અધુરૂ કાર્ય વેગવંતુ બનાવવા માંગ

પુરાતન કાળથી રાજકોટની મધ્યની લોકમાતા-આજીમાતાના સાનિધ્યમાં બિરાજમાન સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનું મંદિર લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર અને દર્શન સ્થળ છે. મંદિરના નવનિર્માણનું કામ પાંચ વર્ષ પહેલા શરૂ થયું હતું પરંતુ હજુ પૂરું થયું નથી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થયેલા ખાતમુહૂર્તથીઆરંભાયેલા નવનિર્માણ કાર્ય માટે અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી છે પરંતુ નિર્માણ કાર્યમાં વેગ આવતો નથી. આજે કનૈયા ગ્રુપ બેડીપરા રાજકોટના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી મંદિર નવનિર્માણ કામ જલ્દી વેગવંતુ બનાવવા માંગ કરી જણાવ્યું છે કે, ખંઢેર સ્ટેડિયમ, નવુ બસ સ્ટેન્ડ અને નવા બ્રિજના કામો એક થી બે વર્ષમાં પૂર્ણ થઈ જતાં હોય તો લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિક જેવા મંદિરનું કામ કેમ જલ્દીથી પૂર્ણ ન થાય.

મંદિર પરિસરનો વિકાસ કરી પાછળ આવેલા ઘાટ પર લોકો બેસી શકે તેવી વ્યવસ્થાની પણ માંગ કરવામાં આવી છે. આજે કનૈયા ગ્રુપ દ્વારા મેયર, મ્યુનિ. કમિશનર અને કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર સાથે મંદિર નવનિર્માણ માટે ઝડપ કરવા સંબંધી વિવિધ બેનર્સ સાથે યુવાનોએ અનોખુ પ્રદર્શન કરી પોતાની લોક લાગણીને વાચા આપી હતી. યુવાનો સાથે ત્રણ વર્ષના દેવ મેવાડાએ પણ રામનાથ મંદિર ક્યારે બનશે તેવો સવાલ પુછતું બેનર ઉપાડીને આ મંદિર નિર્માણ માટેની આસ્થામાં વડીલોથી લઈ નાના બાળકો પણ જોડાયા છે તેવો સંદેશો આપ્યો હતો.