રાજકોટમાં ડેન્ગ્યુનો હાહાકાર: એક જ સપ્તાહમાં 24 કેસ

મેલેરીયા અને ચિકનગુનિયાએ પણ માથુ ઉંચક્યુ: મચ્છરોની ઉત્પતિ સબબ 1181 આસામીઓને નોટિસ, રૂા.24100નો દંડ વસુલાયો

શહેરમાં કોરોનાનો કહેર નેસ્તનાબૂદ થઈ ગયો છે. પરંતુ ચોમાસાની સીઝનમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના 24 કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. સીઝનલ રોગચાળાને લીધે ઘેર-ઘેર માંદગીના ખાટલા ખડકાયા છે અને દવાખાના દર્દીથી ઉભરાઈ રહ્યાં છે. કોર્પોરેશનની સફાઈ ઝુંબેશને જાણે મચ્છરો પડકાર ફેંકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટમાં ડેન્ગ્યુના 24 કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ડેન્ગ્યુના કુલ કેસનો આંક 90એ પહોંચ્યો છે. મેલેરીયા અને ચિકનગુનિયાએ પણ માથુ ઉંચક્યું છે. મેલેરીયાના 4 કેસ સાથે ચાલુ વર્ષમાં કુલ 29 કેસ અને ચિકનગુનિયાના 3 કેસ સાથે ચાલુ વર્ષમાં કુલ 14 કેસો નોંધાયા છે.

ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 4301 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. 76229 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિ સબબ 1181 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને રૂા.24100નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોસ્ટેલ, ઈન્ડસ્ટ્રીઝ, કોમ્પલેક્ષ, સેલર, વાડી, હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિત કુલ 753 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 1168 ખાડા અને ખાબોચીયામાં મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી રહેલી તમામ પ્રકારની કામગીરી જાણે નિષ્ફળ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 24 કેસો મળી આવતા શહેરભરમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે અને આરોગ્ય શાખામાં પણ દોડધામ મચી જવા પામી છે.